Gandhinagar,તા.૧૮
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં બોમ્બની વાતનો ઉલ્લેખ કરાયો છે. ગુજરાત વિધાનસભાનું સત્ર આજે માત્ર કાયદાકીય કામગીરી માટે જ નહીં, પરંતુ ભારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને ગંભીર સુરક્ષા મુદ્દે થયેલી ચર્ચાને કારણે હલચલમાં રહ્યું હતું. વિધાનસભા ગૃહને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકીએ આજે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો, જેમાં જીતુ વાઘાણીની ટિપ્પણી અને અમિત ચાવડાના વળતા પ્રહાર વચ્ચે વિધાનસભા અધ્યક્ષે દરમિયાનગીરી કરવી પડી હતી.
ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે બોમ્બ થ્રેટનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. પહેલા શાળાઓ, કોલેજો, કોર્ટ અને હવે લોકશાહીના પવિત્ર મંદિર સમાન વિધાનસભાને નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો છે. તેમણે અધ્યક્ષ પાસે આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને સુરક્ષાની શું સ્થિતિ છે તેની વિગતવાર માહિતી માંગી હતી.
વિધાનસભા ગૃહમાં બોમ્બ થ્રેટ ચર્ચામાં ત્યારે વળાંક આવ્યો જ્યારે ભાજપના નેતા જીતુ વાઘાણીએ વિપક્ષી નેતા અમિત ચાવડાના પહેરવેશ પર ટિપ્પણી કરી હતી. વાઘાણીએ કટાક્ષ કરતા કહ્યું કે અમિત ચાવડા આજે બોમ્બ અફવા અંગે પાકિસ્તાનનો વિરોધ કરવા ખાસ કાળા કપડાં પહેરીને આવ્યા લાગે છે.” આ ટિપ્પણીએ ગૃહમાં ચર્ચાની દિશા ફેરવી દીધી હતી અને સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું.
જીતુ વાઘાણીની ટિપ્પણી સામે વળતો પ્રહાર કરતા અમિત ચાવડાએ રાજ્ય સરકારની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે બોમ્બની અફવા ફેલાઈ ત્યારે મંત્રીઓએ પોલીસનો જુસ્સો વધારવો જોઈએ, પણ તેના બદલે મંત્રીઓ પોતે જ ગૃહ છોડીને ભાગવા લાગ્યા હતા. કોરોનાકાળનો ઉલ્લેખ કરતા ચાવડાએ કટાક્ષ કર્યો કે, “જો જીતુ વાઘાણીએ આજે પણ થાળી વગાડી હોત તો કદાચ બોમ્બ થ્રેટ જતો રહ્યો હોત!”
આ નિવેદન બાદ ગૃહમાં ભારે હાસ્ય અને રોષનું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, અધ્યક્ષ શંકર ચૌધરીએ આ વાતનો બચાવ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, “કોઈ મંત્રી ભાગ્યું નથી, તમામ મંત્રીઓ સાવચેતીના ભાગરૂપે મારી ઓફિસમાં જ હાજર હતા.” સમગ્ર ગતિરોધ અને ભયના માહોલ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહને આશ્વસ્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આજે સવારે જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ડ્ઢય્ઁ સાથે તાત્કાલિક પરામર્શ કરવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિધાનસભા સંકુલની બે વાર ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ મેઈલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ છે તેની ગંભીરતાથી તપાસ કરી રહી છે.
વિધાનસભા અધ્યક્ષે મક્કમતાથી કહ્યું કે, “કોઈની પણ ધમકીથી ગુજરાત ભયભીત થાય તેવી સ્થિતિ નથી. ગુજરાત સક્ષમ છે અને આવી કોઈ પણ ધમકીઓ સામે રાજ્ય ક્યારેય ઝૂક્યું નથી અને ઝૂકશે પણ નહીં.” ગુજરાત વિધાનસભામાં બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો તો ઉભા કર્યા જ છે, પરંતુ સાથે સાથે રાજકીય પક્ષો વચ્ચેની ખાઈ પણ સ્પષ્ટ કરી દીધી છે. જ્યાં એકતરફ શાસક પક્ષ રાષ્ટ્રવાદ અને મક્કમતાની વાત કરી રહ્યો છે, ત્યાં બીજી તરફ વિપક્ષ સરકારની ગંભીરતા અને કટોકટીના સમયે નેતૃત્વની ક્ષમતા પર સવાલ ઉઠાવી રહ્યો છે.

