Wankaner, તા.20
વાંકાનેર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે ગુરુવારે બપોરે ચાર વાગ્યે અચાનક જ હવામાનમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે જોતજોતામાં જ ભારે પવન ફુંકાવા લાગ્યો છે. પવનની ગતિ એટલી તેજ જોવા મળી રહી છે કે જાણે મિની વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.
આ વાવાઝોડાની સાથે જ આ વિસ્તારમાં ઠેર ઠેર કમૌસમી વરસાદ તૂટી પડ્યો હતો અને આશ્ર્ચર્યની વાત એ છે કે ઘણી જગ્યાએ વરસાદની સાથે બરફના મોટા કરા પણ પડ્યા હતાં.
વાંકાનેર પંથકમાં પડેલા આ કમોસમી વરસાદ (માવઠા) અને બરફના કરાને કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. અત્યારે ખેતરોમાં રવિ પાક તૈયાર થઇને ઉભો છે અથવા તો લણણીની તૈયારીમાં છે. જીરુ, ઘઉં, ચણા, ધાણા અને એરંડા જેવા પાકોને આ કરા અને ભારે પવનથી વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ જવાની નોબત આવતા ખેડૂત આલમમાં નિરાશા વ્યાપી ગઇ છે.
વાકાંનેર વિસ્તારમાં અચાનક શરૂ થયેલા તોફાની પવન અને કરા પડવાને કારણે રસ્તા પર જતા વાહનચાલકો અને રાહદારીઓએ સલામત સ્થળે આશરો લેવાની ફરજ પડી હતી. બરફના કરા પડવાને કારણે તાપમાનમાં એકાએક ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમયમાં વાતાવરણમાં પલટો રહેવાની અને કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવેલી હોવાથી, સ્થાનિક પ્રશાસને લોકોને અને ખાસ કરીને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

