Wankaner તા.21
વાંકાનેરમાં સમસ્ત બ્રહ્મસમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ હતો. આ પ્રસંગે શોભાયાત્રા, મહાયજ્ઞ, મહાપ્રસાદ, દાંડીયા રાસ, ધર્મસભા મહાઆરતી સહિતના ભરચકક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા.
પરશુરામ દાદાના જન્મોત્સવના આગલા દિવસે એટલે કે ગત તા.18ના રોજ રામેશ્ર્વર મંદિરના પટાંગણમાં બહેનો દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી ત્યાર બાદ ડો.કૃષ્ણકાંતભાઈ શુકલ દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ અને સનાતન હિન્દુ ધર્મના લોકોને ભગવાન પરશુરામ દાદાનો સંકલ્પ કરી પ્રવચન આપવામાં આવેલ હતું.
જયારે બીજા દિવસે સવારે પરશુરામધામ મંદિર ખાતે ભગવાનનો યજ્ઞ કરવામાં આવેલ હતો. સાંજના પાંચ કલાકે જીનપરા જકાતનાકાથી ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા નિકળી હતી.
ગુજરાત રાજયના વેપારી સેલના પ્રમુખ શૈલેષભાઈ ઠકકર, તાલુકા પંચાયતના પ્રમુખ હરીભાઈ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગાયત્રી શકિતપીઠના મહંત અશ્ર્વિનભાઈ રાવલ, પાર્થધ્વજ હનુમાનજી મહારાજના સદસ્યો તેમજ ઔદિચ્ય બ્રહ્મસમાજના પ્રમુખ રજનીભાઈ રાવલ દ્વારા આ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવેલ આ યાત્રાનું શહેરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ હતું.

