Dwarka તા.23
ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં દ્વારકાના પ્રાચીન અને પૌરાણિક મંદિરોમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાવળા તળાવની પશ્ચિમ દિશામાં આવેલું શ્રી ભદ્રકાલી માતાજીનું મંદિર ભક્તોના આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, જ્યાં નવરાત્રિના અવસરે બહોળી સંખ્યામાં માઈભક્તો દર્શન અને પૂજા માટે ઉમટી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિમાં શક્તિ અને માતાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. નવદુર્ગાની ઉપાસનાનું સર્વોત્તમ પર્વ એટલે નવરાત્રિ. આ અવસરે ભદ્રકાલી માતાજીના મંદિરમાં ભક્તો દ્વારા વિશેષ સેવા-પૂજા, આરાધના અને ધાર્મિક વિધિઓ યોજાઈ રહી છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી ભદ્રકાલી માતાજીની પ્રતિમા સ્થાપિત છે અને તેની આસપાસ મહાકાલી, મહાલક્ષ્મી તથા મહાસરસ્વતીના ત્રણ પવિત્ર યંત્રો સ્થાપિત થયેલા છે. નિજ મંદિરના પ્રવેશદ્વાર પાસે ત્રિપુરા સુન્દરી માતાજી બિરાજે છે.
મંદિર પરિસરમાં મુખ્ય મંદિરની બાજુમાં આશાપુરા માતાજીનું મંદિર તેમજ પશુપતિનાથ મહાદેવ, હનુમાનજીનું બાળ સ્વરૂપ અને ચારણગોર ઠાકર કુટુંબના દેવતાઓ પણ સ્થાપિત છે, જેના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં આવે છે.
હાલમાં ચાલી રહેલી ચૈત્રી નવરાત્રિ દરમ્યાન શહેરના અનેક ઉપાસકો રોજ સવાર અને સાંજ માતાજીની સેવા-પૂજા કરીને ભક્તિભાવ વ્યક્ત કરી રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે અને દર્શનાર્થે આવતા ભાવિકો આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરી રહ્યા છે.
આ મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના થયેલી હોવાથી તાંત્રિક સાધના માટે પણ આ મંદિર વિશેષ મહત્ત્વ ધરાવે છે. દ્વારકાના અન્ય પ્રાચીન મંદિરોની જેમ આ મંદિરને પણ અત્યંત પ્રાચીન માનવામાં આવે છે.
માન્યતા મુજબ, જે ભક્ત અહીં શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે તેની સાધના અવશ્ય ફળે છે. ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં દ્વારકાનું શ્રી ભદ્રકાલી માતાજી મંદિર ભક્તિ, આસ્થા અને આધ્યાત્મિક ઉર્જાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે.

