Gondal. તા.25
ગોંડલના ગુંદાળા ગામે યુવાન પર ગામમાં જ રહેતા કાનાણી બંધુઓએ છરી વડે ખૂની હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના પીતરાઇ ભાઇને પણ છરી ઝીંકી દીધી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
શેરીમાં બે શ્વાન ઝઘડતા યુવાને તેને છૂટા પડાવતા આરોપીએ તે મારા પાલતુ શ્વાનને કેમ માર્યું તેમ કહી ધમકી આપ્યા બાદ રાત્રીના યુવાનના ઘરે જઈ ખુની હુમલો કર્યો હતો. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ગોંડલના ગુંદાળા ગામે પાટીદડ રોડ પર સંજીવની આવાસમાં રહેતા અને મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર રવિ કિશોરભાઈ ઉદેશ (ઉ.વ.24) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજીવની આવાસમાં જ રહેતા રાહુલ નરેશ કાનાણી, રોહિત નરેશ કાનાણી અને રાજ નરેશ કાનાણીનું નામ આપતાં ગોંડલ તાલુકા પોલીસે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રીના નવેક વાગ્યે આસપાસ તે ઘરે હતો ત્યારે આરોપી ત્રણેય ભાઈઓ ઘરે છરી સાથે ધસી આવ્યા હતા. તેણે દરવાજાને પાટા મારતા યુવાન ઘર બહાર ગયો હતો. દરમિયાન રાહુલે યુવાનને છરી મારવા જતા તેણે હાથ આડો રાખતા હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં રોહિતે છરીથી હુમલો કરતા યુવાનને બીજા હાથમાં ઇજા પહોંચી હતી.
દરમિયાન રાજ કાનાણીએ યુવાનને પડખાના ભાગે મારી નાખવાના ઇરાદે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેથી દેકારો થતાં અહીં લોકો એકત્ર થઈ ગયા હતા. આ સમયે યુવાનનો મામાનો પુત્ર કાનો જીવણભાઇ પરમાર આવી જતા અને તે યુવાનને બચાવવા જતા તેને પણ છરીનો ઘા ઝીંકી ઇજા પહોંચાડી હતી. બાદમાં આ ત્રણેય શખસો અહીંથી નાસી ગયા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજથી ત્રણેક દિવસ પૂર્વે તેના ઘર પાસે શ્વાન ઝઘડતા હોય જેથી તેણે અલગ પાડ્યા હતા. જેમાં એક પાલતું શ્વાન રોહિતનું હોય જેથી રોહિતને આ વાત પસંદ ન પડી ન હતી. યુવાન ગામ પાસે હોટેલ હતો.
ત્યારે આવી કહ્યું હતું કે, તું અમારા કૂતરાને કેમ મારતો હતો. હું તને જોઈ લઈશ તેમ કહી ધમકી આપ્યા બાદ રાત્રીના રોહિત તથા તેના બંને ભાઈઓએ અહીં આવી યુવાન પર છરી વડે ખૂની હુમલો કર્યો હતો. યુવકને બચાવવા તેનો પિતરાઈ ભાઈ કાનો જીવણભાઈ પરમાર વચ્ચે પડતા તેને પણ છરી મારી દીધી હતી. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

