New Delhi,તા,30
એક્ટર અને મોડલ હર્ષિલ કાલિયાનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. જયપુરમાં સોમવાર રાત્રે હર્ષિલ કાલિયાની કારનો ખતરનાક અકસ્માત થયો હતો. તેમની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.
જયપુરના શિપ્રા પથ રોડ પર હર્ષિલ કાલિયાની કારનો અકસ્માત થયો હતો. કાલિયા રાત્રે આશરે 11:30 વાગ્યે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે જ તેમની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ. આ આખી ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે.
હર્ષિલ કાલિયાની કાર પલટી ગયા પછી સ્થાનિક લોકોએ ગાડીને સીધી કરી અને અભિનેત્રીને બહાર કાઢી. ત્યારબાદ 30 વર્ષીય કાલિયાને તરત જ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. હર્ષિલ કાલિયાના માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
અને હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી. હર્ષિલ કાલિયા વેબ સિરીઝ ’ક્રાઈમ નેક્સ્ટ ડોર’ માં કામ કરી ચૂકી છે. તેમણે એક ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે પણ કામ કર્યું છે અને અનેક રાજસ્થાની ગીતોમાં મુખ્ય મહિલા કલાકારની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં તેઓ મોડેલિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માટે સક્રિય હતાં.

