Mumbai,તા.27
લેજેન્ડ ઓફ પોપ ગણાતા માઈકલ જેક્સનની બાયોપિક ફિલ્મ ‘Michael’એ નબળા રિવ્યૂ અને નિર્માણ દરમિયાનની મુશ્કેલીઓને પાછળ છોડીને બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે વિશ્વભરમાં તેના પ્રથમ સપ્તાહમાં $217 મિલિયન(આશરે ₹1800 કરોડથી વધુ)ની કમાણી કરીને અત્યાર સુધીની કોઈપણ બાયોપિક માટે સૌથી મોટી ઓપનિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ક્રિસ્ટોફર નોલનની ‘ઓપનહાઇમર'($180.4 મિલિયન) અને ક્વીન બેન્ડની ‘બોહેમિયન રેપ્સોડી’ ($124 મિલિયન)ના ઓપનિંગ રેકોર્ડ્સને પણ ધ્વસ્ત કરી દીધા છે.આ ફિલ્મનું નિર્માણ ખૂબ જ પડકારજનક રહ્યું હતું. શૂટિંગ પૂર્ણ થયા બાદ નિર્માતાઓને સમજાયું કે ફિલ્મનો ત્રીજો ભાગ જેક્સન સામેના જાતીય શોષણના આરોપો(જોર્ડન ચાંડલર કેસ) પર કેન્દ્રિત હતો, જે કાયદાકીય કરારને કારણે બતાવી શકાય તેમ નહોતો. આ ભૂલ સુધારવા માટે $50 મિલિયનનો વધારાનો ખર્ચ કરીને ફરીથી શૂટિંગ કરવામાં આવ્યું હતું. દિગ્દર્શક એન્ટોઈન ફુક્વાએ હવે ફિલ્મને 1988માં સમાપ્ત કરી છે, જે માઈકલ જેક્સન સામેના કોઈપણ ગંભીર આરોપો પહેલાનો સમયગાળો છે. જોકે, આ સફળતા બાદ હવે ફિલ્મની સીક્વલ અને કદાચ ત્રીજા ભાગ માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ખરેખર નવાઈની વાત એ છે કે, આ ફિલ્મને લઈને નિષ્ણાતો અને સામાન્ય જનતાના અભિપ્રાય સાવ અલગ છે. ફિલ્મ સમીક્ષકોએ(Critics) એ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે માઈકલ જેક્સનના જીવનના વિવાદોને ફિલ્મમાં પૂરતી જગ્યા આપવામાં આવી નથી, જેને કારણે ‘રોટન ટોમેટોઝ’ પર તેને ઘણો ઓછો સ્કોર મળ્યો છે. પરંતુ, તેનાથી ઉલટું સામાન્ય પ્રેક્ષકો આ ફિલ્મને મન મૂકીને વધાવી રહ્યા છે અને તેને રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળી રહ્યો છે.માઈકલ જેક્સનના ભત્રીજા જાફર જેક્સને આ ફિલ્મમાં જે રીતે માઈકલનું પાત્ર ભજવ્યું છે, તેની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ અદભૂત સફળતા અંગે ફિલ્મ સ્ટુડિયો લાયન્સગેટના ચેરમેન એડમ ફોગેલસને જણાવ્યું કે, દુનિયાભરમાંથી જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે તે કલ્પના બહારનો છે. તમામ ઉંમરના અને દરેક વર્ગના લોકો આ ફિલ્મ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ રહ્યા છે, જે સફળતાનું મુખ્ય કારણ છે.

