Rajkot,તા.06
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2025-26માં પાર્સલ આવકના ક્ષેત્રમાં પ્રથમ વખત 15 કરોડનો આંકડો વટાવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ડિવિઝને આ સમયગાળા દરમિયાન 15.05 કરોડની પાર્સલ આવક મેળવી છે, જે પાછલા નાણાકીય વર્ષ 2024-25ના 10.54 કરોડની સરખામણીએ 43.10%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
રાજકોટ ડિવિઝન દ્વારા ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરીને 42 અસ્કયામતો (Assets) નો પૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી કાર્યક્ષમતામાં ધરખમ વધારો નોંધાયો છે.
આ સિદ્ધિમાં પ્રથમ વખત 24 ટનની ક્ષમતા ધરાવતી 34 પાર્સલ વેન (VP) જોડીને તેનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું, જેનો મોટો ફાળો રહ્યો છે. આ માધ્યમથી 765.16 ટન વધારાના માલનું લોડિંગ કરવામાં આવ્યું, જેનાથી 66.09 લાખની વધારાની આવક થઈ. આ સાથે ડિવિઝને ટ્રાફિકના નવા સ્ત્રોતોનો પણ સફળતાપૂર્વક વિસ્તાર કર્યો છે.
રાજકોટ ડિવિઝને ઇતિહાસમાં પ્રથમ વખત 15 કરોડની પાર્સલ આવકનો માઇલસ્ટોન પાર કરીને નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, જે ડિવિઝનની શ્રેષ્ઠ કાર્યક્ષમતાનું પ્રમાણ છે.
માલસામાન પરિવહનના ક્ષેત્રમાં ડિવિઝને વિવિધ પ્રકારની વસ્તુઓનું સફળતાપૂર્વક પરિવહન કર્યું છે, જેમાં મુખ્યત્વે સમાવેશ થાય છે: ઇમિટેશન જ્વેલરી, ઘરવખરીનો સામાન અને બ્રાસ પાર્ટ્સ (પિત્તળના ભાગો), ઓટોમોબાઈલ પાર્ટ્સ, કાપડ (ટેક્સટાઇલ), શાકભાજી અને ફળો, જલ્દી બગડી જાય તેવી વસ્તુઓ (Perishable Items) અને અન્ય વિવિધ ચીજવસ્તુઓનું નાણાકીય વર્ષ 2025-26માં કુલ 4,55,555.05 ક્વિન્ટલ માલનું લોડિંગ કરવામાં આવ્યું હતું, જે ગયા વર્ષે 3,59,288.01 ક્વિન્ટલ હતું. 100% કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ: સમગ્ર ડિવિઝનમાં કોમ્પ્યુટરાઈઝ્ડ પાર્સલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
લાઈવ ટ્રેકિંગ: હવે ગ્રાહકોને પાર્સલનું લાઈવ ટ્રેકિંગ અને સમયસર રસીદના મેસેજ (SMS) મળે છે, જેનાથી ડિલિવરી ઝડપી અને સુરક્ષિત બની છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ સફળતા ડિવિઝનની ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા, ટીમવર્ક અને ગ્રાહક-કેન્દ્રી સેવાઓનું પરિણામ છે. રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ આવી જ રીતે નવી ઊંચાઈઓ સર કરીને ભારતીય રેલવેમાં પોતાની વિશિષ્ટ ઓળખને વધુ મજબૂત બનાવશે.

