Rajkot. તા.06
બેડી ચોકડી પાસે દારૂ ભરેલી કાર સાથે બી. ડિવિઝન પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે કારમાંથી 336 બોટલ દારૂ સહિત રૂ.10.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ક્રાઇમ બ્રાંચે સાગરનગરમાં રહેતા શખ્સની ઓરડીમાંથી 432 બોટલ દારૂ તેમજ કુવાડવામાં ખાતરના બચકામાંથી દારૂની 48 બોટલ સાથે એક શખ્સ દબોચાયો હતો.
દરોડાની વિગતો મુજબ બી. ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એમ. કોઠીવાળ, સંદીપભાઈ અવાડીયા, સંજયભાઈ જળુ, કોન્સ્ટેબલ વિજયભાઈ હુંબલ સહિતનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બેડી ચોકડીથી આગળ અમદાવાદ હાઈવે પર પુલ નીચે મારૂતિ સોસાયટી પાસે અંગ્રેજી દારૂની હેરાફેરી થઈ રહી છે.
જેથી પોલીસની ટીમે અહીં પહોંચી શંકાસ્પદ કીયા સેલ્ટોલ કાર નં. જીજે 9 બીજી 8800 જોવા મળતા તેને કોર્ડન કરી હતી. બાદમાં પોલીસે કારચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ સંજય જાદવભાઈ કુમારખાણીયા (ઉ.વ. 46 રહે. કનકનગર સોસાયટી શેરી નંબર-1, મહારાણા પ્રતાપ હોલ પાસે) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે કારમાં તપાસ કરતા અંદરથી રૂપિયા 92,400 ની કિંમતનો 336 બોટલ દારૂમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 10,92,400 નો મુદ્દામાલ કબજે કરી આરોપી દારૂ કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો? તે અંગે તપાસ હાથ ધરી છે.
બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ સંજયભાઈ દાફડા, હેડ કોન્સ્ટેબલ પ્રતીકસિંહ રાઠોડ, તુલસીભાઈ ચુડાસમા, મુકેશભાઈ સબાડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે જૂના માર્કેટિંગ યાર્ડ બાજુમાં સાગરનગર શેરી નંબર ત્રણમાં રહેતા રોહિત મુકેશભાઈ મેર (ઉ.વ.19) ની ઓરડીમાં દરોડો પાડી અહીંથી રૂપિયા 77,700 ની કિંમતનો 432 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.
ત્રીજા દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ડાંગર, કોન્સ્ટેબલ જયપાલભાઈ બરાડીયા, મેહુલસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન કુવાડવા ગામમાં શિવધારા રેસીડેન્સીના ગેટ પાસેથી મોહિત હેમંતભાઈ ટીંબલીયા(ઉ.વ. 35) નામના શખસને પ્લાસ્ટિકના ખાતરના બાચકમાં છુપાવેલા 48 બોટલ દારૂ રૂ. 8,160 સાથે ઝડપી લઇ કુલ રૂપિયા 14,160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

