Gandhinagar,તા.06
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાઈ રહેલી ચુંટણીમાં આજે જાહેરનામા સાથે જ હવે ઉમેદવારી નોંધાવવાનું શરૂ થયું છે તે સમયે ભાજપમાં ગાંધીનગર એ હોટ-કેપીટલ બની ગયુ છે અને ગઈકાલથી શરૂ થયેલી સંકલન તથા પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક માટે ગાંધીનગરમાં રાજયભરમાંથી ચુંટણી લડવા ઈચ્છુક દાવેદારો તેમના ટેકેદારોનો મોટો સમુહ જોવા મળી રહ્યા છે.
ભાજપે પાર્લીયામેન્ટ્રી બોર્ડ પહેલા જીલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે તો સાથે મહાનગરો માટે તા.7-8-9 એમ ત્રણ દિવસ ફાળવ્યા છે. પક્ષના ટોચના નેતાઓના જણાવ્યા મુજબ ધારાસભ્યોના આવાસથી મંત્રીઓના બંગલા-સર્કીટ હાઉસ-કમલમ આ તમામ સ્થળો પર બેઠકોનો દૌર ચાલી રહ્યો છે.
તો અવારનવાર પક્ષના સંગઠનના ટોચના હોદેદારો તથા સીનીયર મંત્રીઓની મુખ્યમંત્રી આવાસમાં દોડધામ રહી છે જે મહાનગર-જીલ્લાના પ્રભારી મંત્રીઓના બંગલાઓ પર સંકલનની બેઠક મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ જુના માપદંડ મુજબની સંકલન પેનલ બનાવી રહી છે અને તેની સાથે કેટલીક `ખાસ’ દાવેદારી અંગે અલગથી પત્રક તૈયાર થઈ રહ્યું છે.
જીલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો એકબીજા સાથે સંકળાયેલી હોવાથી જાતિ-જ્ઞાતિ સહિતના જે કંઈ પસંદગીના ફેકટર છે તેના આધારે બેઠકોના ઝૂમખા પેનલ તૈયાર થાય છે. જેમકે જીલ્લા પંચાયતના હેઠળ આવતી તાલુકા પંચાયતોની બેઠકોમાં જ્ઞાતિ-જાતિ-વિનિંગ ફેકટર બધા એકબીજાના મતોનું પુરક બને અને તાલુકાની બેઠકોના મતો જીલ્લાની બેઠકને ટ્રાન્સફર થાય અને તે જ રીતે તાલુકામાં પણ બને તે રીતે ઉમેદવાર નિશ્ચિત થઈ રહ્યા છે જેથી જીલ્લા-તાલુકા બન્નેમાં ભાજપને તેની પેટર્ન મુજબ મતો આપી શકે.
સૂત્રોના જણાવ્યા મુજબ અનેક બેઠકો પર ઉમેદવારો નિશ્ચિત જેવી સ્થિતિમાં છે ત્યાં પેનલને બદલે એક કે બે નામો જ મુકાયા છે.
ભાજપ તા.10થી તેના પસંદ થયેલા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે જણાવશે અને તે પુર્વે પણ જે મહાનગરોમાં નામ કલીયર થશે. તેઓને જાણ કરી દેવાશે તે પુર્વે કાલથી મહાનગરોનો રાઉન્ડ ચાલુ થશે અને એક બાદ એક 15 મહાનગરોના નામ પાર્લીયામેન્ટ્રી બોર્ડ કમલમ કરશે.
આ માટે જે તે દિવસે જ મહાનગરની સંકલન પાર્લીયામેન્ટ્રી બોર્ડના ત્રણ-ચાર કલાક પુર્વે મળશે અને તુર્તજ અહેવાલ પાર્લીયામેન્ટ્રી બોર્ડને આપી દેવામાં રાજકોટ માટે પણ આ ત્રણ દિવસમાં ગમે તે દિવસે નિર્ણય લેવાય તેવા સંકેત છે. કુલ 72 બેઠકો માટે 216 નામોની પેનલ તૈયાર થશે.
આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં ભાજપે સીટીંગ ધારાસભ્યો-સાંસદો સાથે લોહીની સગાઈ ધરાવનારને ટિકીટ નહી આપવાની જાહેરાત કરી છે. એક પરિવારમાં એક જ ચુંટાયેલા પદાધિકારી તેવી નીતિ અપનાવી છે તેમાં હવે સાંસદો-ધારાસભ્યોના `સગા’ નહી પણ નજીકના ખાસ ગણાતા ચહેરાઓએ ટિકીટ માંગી છે. રાજકોટમાંજ આ પ્રકારે ડઝનેક દાવેદાર છે.
જેમાં આ ટર્મમાંજ નિવૃત થયેલા અને ત્રણ વખત ચુંટણી લડી ચુકેલા કોર્પોરેટરોને હવે પોતાને ટિકીટ નહી મળે તે નિશ્ચિત થતા તેમના પુત્રોને દાવેદાર બનાવી દીધા છે તો પુર્વ ધારાસભ્યએ પણ તેના પુત્રને માટે ટિકીટ માંગી છે.
પુર્વ રાજયસભાના પીએની કામગીરી બજાવી ચુકેલા ચહેરા અને વર્તમાન સાંસદની નજીક ગણાતા પુર્વ હોદેદારોએ ટિકીટ માંગી છે. તેઓના છેડા છેક સંકલન સુધી પહોંચે છે પણ ગઈકાલે રાજકોટની યાદી માટે જે ઔપચારીક સંકલન મળી હતી તેમાં આ મુદો ચર્ચાયો હોવાના સંકેત છે.
`પુર્વ’ના સગાઓ માટે પક્ષે કોઈ ચોકકસ માપદંડ નિશ્ચિત કર્યા નથી પણ જો તેઓને પસંદ કરે તો ખરેખર કાર્યકર્તા છે. તેઓમાં અસંતોષ સર્જાય તેવો ભય છે. ભાઈ-ભતીજા વાદ ન સર્જાય તેની ચિંતા ભાજપ કરે છે પણ આ તમામ `ખમતીધર’ છે.
તેઓની ઉપેક્ષા કેમ કરવી તે પ્રશ્ન છે અને એકના પુત્રને ટિકીટ આપે અને બીજો ન આપે તો પણ વિખવાદ સર્જાશે તેથી હવે તે નિર્ણય પાર્લીયામેન્ટ્રી બોર્ડને લેવા જણાવાયુ છે અને રાજયભરમાં એક જ પેટર્ન અપનાવી શકાય છે. જેમાં પુર્વ ધારાસભ્ય કે કોર્પોરેટરના પુત્ર-પુત્રી તેમાં અનેક કાર્યકર્તા તરીકે પણ સક્રીય છે. આથી તેમને `લેબલ’ નડે નહી તે પણ જોવાશે.

