“સેબી રજિસ્ટર્ડ” હોવાનું કહી ગઠિયાએ ફસાવ્યા, ડીમેટ એકાઉન્ટ ખોલાવી રકમ ટ્રાન્સફર કરાવી : આઇપીઓમા નફાની લાલચ આપી કરોડોની અરજી કરાવી
Rajkot તા.08
શહેરમાં સાયબર ઠગાઈનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં વોટ્સએપ ગ્રુપ મારફતે શેરબજારમાં રોકાણની લાલચ આપી એક સોફ્ટવેર એન્જિનિયર સાથે રૂ. 24.50 લાખની છેતરપીંડી કરવામાં આવી છે.શહેરમાં રહેતા 40 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, 24 ડિસેમ્બર 2025ના રોજ ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપમાં શેરબજાર સંબંધિત ટીપ્સ આપવામાં આવતી હતી અને અન્ય સભ્યો પ્રોફિટના સ્ક્રીનશોટ શેર કરતા હોવાથી વિશ્વાસ જમાવ્યો હતો.
બાદમાં ગ્રુપ એડમિન તરીકે ઓળખાવનાર કેશવ આર. પ્રકાશે “TEKNE” નામના પ્લેટફોર્મ પર ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું કહી પોતાને સેબી રજિસ્ટર્ડ હોવાનું જણાવી લિંક મોકલી હતી. ફરિયાદીએ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી એકાઉન્ટ ખોલ્યું હતું.ત્યારબાદ “તરીકે ઓળખાવનાર વ્યક્તિએ અલગ-અલગ બેંક ખાતાઓમાં તબક્કાવાર રૂ. 6 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. થોડા સમયમાં ખાતામાં રૂ. 8 લાખ જેટલો નફો દર્શાવવામાં આવ્યો હતો.
પછી આઇપીઓમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે કહી ફરિયાદી પાસેથી રૂ. 15 લાખ, રૂ. 1 કરોડ અને રૂ. 35 લાખની અરજીઓ કરાવવામાં આવી હતી તેમજ વધારાના રૂ. 18.50 લાખ પણ ભરાવ્યા હતા. બાદમાં વધુ રકમ માંગવામાં આવતા ફરિયાદીને શંકા જતા પૈસા આપવાનું બંધ કર્યું હતું, પરંતુ અગાઉની રકમ પરત મળી નહોતી.ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર અરજી નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અજાણ્યા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

