(મિલાપ રૂપારેલ) Amreli, તા.8
અમરેલી જિલ્લામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે ‘માય સિટી માય રન’ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, રમતગમત વિભાગ, એન્વીજન ઇન્ડિયા તથા ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ રિસર્ચ એન્ડ રિફોર્મના સંયુકત ઉપક્રમે યોજાયેલી આ દોડમાં શહેરના પ00 થી વધુ ઉત્સાહી નાગરિકો અને રમતવીરો જોડાયા હતા. સરદાર પટેલ રમત સંકુલ, જિલ્લા સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર ખાતેથી પ્રારંભ થયેલી આ દોડ પ કિમી અને 10 કિમી એમ બે કેટેગરીમાં યોજાઈ હતી.
જેમાં જિલ્લા રમતગમત અધિકારી પી.બી. કુંભાણી, જિલ્લા સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ઓફિસર પૂનમ ફુમકીયા, ડીવાય.એસ.પી. ચિરાગ દેસાઈ, પ્રાંત અધિકારી તેમજ ડો. કાનાબારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એન્વિજન ઇન્ડિયાના પ્રતિનિધિ શંકર ચિલુરી અને શિવ, તેમજ પ્રવીણ કિશોર શર્મા અને આનંદ પંજિયાર પણ હાજર રહ્યા હતા અને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો.
સ્પર્ધાના અંતે વિજેતા બનેલા દોડવીરોને મહાનુભાવોના હસ્તે કુલ 11,000 રૂપિયા સુધીના રોકડ પુરસ્કારો અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેલદિલીની ભાવના જળવાઈ રહે તે માટે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દોડવીરોને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

