Kolkata,તા.10
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હવે “માછલી” મુખ્ય મુદ્દો બનીને ઉભરી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં હિલ્સા માછલી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેમની સરકારે ડાયમંડ હાર્બરમાં હિલ્સા સંશોધન કેન્દ્ર પણ સ્થાપ્યું છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ દાવાઓનો જવાબ આપી રહ્યા હતા કે જેમાં મોદીએ કહ્યું હતું કે બંગાળ હજુ માછલીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું નથી.
મોદીએ પૂર્વ મેદિનીપુરના હલ્દિયામાં એક જાહેર સભાને સંબોધતા આ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે બંગાળ માછલીના ઉત્પાદનમાં આત્મનિર્ભર નથી, જ્યારે બિહાર અને આસામ જેવા અન્ય રાજ્યોમાં આ ક્ષેત્રે અનેકગણો વિકાસ થયો છે.
ઘણી રેલીઓમાં બેનર્જીએ લોકોને વિનંતી કરી કે, તેઓ ભાજપને વોટ ન આપે, કારણ કે ભાજપ માછલી અને માંસ ખાવા પર પ્રતિબંધ લાદશે. બંગાળ સીએમએ કહ્યું હતું કે “હિલ્સા માછલી હવે પશ્ચિમ બંગાળમાં બધે જ મળે છે. અમે ડાયમંડ હાર્બરમાં હિલ્સાના ઉત્પાદન માટે સંશોધન કેન્દ્ર બનાવ્યું છે. અમે માછીમાર સમુદાયને મદદ કરવા માટે મત્સ્યઉદ્યોગ પર ખાસ ભાર મૂક્યો છે. અમે માછીમારોની ઓળખ અને મદદ માટે ‘મત્સ્યજીવી કાર્ડ’ પણ બહાર પાડ્યા છે”.
બેનર્જીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ભાજપ બંગાળ પર બળજબરીથી કબજો કરવા માંગે છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના મીનાખાનમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું, “ભાજપ શાસિત રાજ્યોમાં તમે તમારી મરજી મુજબ માછલી, માંસ કે ઈંડા ખાઈ શકતા નથી. જો તમારે જે ગમે તે ખાવાની, ગમે તે પહેરવાની અને પોતાની ભાષા બોલવાની આઝાદી જોઈતી હોય, તો તમારે તૃણમૂલને જ વોટ આપવો પડશે.
જો ભાજપ સત્તામાં આવશે તો માછીમાર સમુદાયનું શું થશે?”
વડાપ્રધાને કહ્યું હતું કે અન્ય રાજ્યોમાં અને સમગ્ર દેશમાં માછલીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. હલ્દિયા, જ્યાં માછીમારોની મોટી વસ્તી છે, ત્યાં બોલતા મોદીએ કહ્યું, “બિહારમાં પણ માછલીનું ઉત્પાદન બમણું થઈ ગયું છે અને હવે તે રાજ્ય અન્ય ક્યાંયથી માછલી મંગાવવા પર નિર્ભર નથી.
આસામમાં પણ વડાપ્રધાન મત્સ્ય સંપદા યોજના હેઠળ માછલીના ઉત્પાદનમાં મોટી પ્રગતિ થઈ છે.” દરમિયાન, મુખ્યમંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપે રાજ્યમાં સત્તા મેળવવા માટે SIR કવાયત દરમિયાન મતદાર યાદીમાંથી 90 લાખથી વધુ નામ કાઢી નાખ્યાં છે.

