Amreli,તા.૧૧
અમરેલી જિલ્લા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવતા જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટેના ઉમેદવારો જાહેર થતા રાજકીય સમીકરણોમાં ચહલપહલ જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકોમાંથી અત્યાર સુધીમાં ૨૮ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની ૬ બેઠકો માટે ઉમેદવારોના નામ હજુ વિચારણાધીન રાખવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત માટે ટિકિટ વિતરણમાં અનેક જગ્યાએ આંતરિક ચર્ચા અને ગોઠવણો ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
તાલુકા પંચાયત સ્તરે પણ ઉમેદવારોની જાહેરાત સાથે રાજકીય ચકચાર મચી છે. અમરેલી તાલુકા પંચાયત માટે ૧૭ ઉમેદવારો જાહેર થયા છે, જ્યારે ધારીમાં ૧૬, સાવરકુંડલામાં ૧૮ અને બગસરામાં ૧૬ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. લાઠી તાલુકા પંચાયત માટે ૧૬, રાજુલા માટે ૨૦ અને કુકાવાવ માટે ૧૬ ઉમેદવારો જાહેર થયા છે. તેમજ જાફરાબાદમાં ૧૬, બાબરામાં ૧૮, ખાંભામાં ૧૪ અને લીલીયા તાલુકા પંચાયત માટે ૧૩ ઉમેદવારો જાહેર થતા ચૂંટણીનો માહોલ વધુ ગતિશીલ બન્યો છે.
નગરપાલિકા સ્તરે પણ ઉમેદવારો જાહેર થતા રાજકીય તાપમાન વધી રહ્યું છે. સાવરકુંડલા નગરપાલિકાની તમામ ૩૬ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે અમરેલી નગરપાલિકાની ૪૪ બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર થયા છે.
જો કે, બગસરા, ધારી, દામનગર અને બાબરા નગરપાલિકાઓ માટે ઉમેદવારોની યાદી હજુ ગુંચવણમાં હોવાનું સામે આવી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ટિકિટ વિતરણને લઈને અસંતોષ અને આંતરિક વિરોધની સ્થિતિ સર્જાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે અંતિમ યાદી જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે અમરેલી જિલ્લામાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં વધુ રાજકીય ઉથલપાથલ જોવા મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

