વૃદ્ધની હત્યા થઈ હોવાનો પરિવારે આક્ષેપ , ફોરેન્સિક પીએમમા કુદરતી મોત થયું હોવાનો ખુલાસો થયો
Rajkot તા.૨૨
Jasdan તાલુકાના ગઢડીયા ગામે ૭૨ વર્ષના વૃદ્ધનું પોતાના ઘરના ખાટલામાં બેભાન હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, શરૂઆતમાં પરિવારે વૃદ્ધની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતાં ફોરેન્સિક તપાસમાં તેમનું મોત કુદરતી રીતે થયું હોવાનું સામે આવ્યું છે. બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના ગઢડીયા ગામે રહેતા માવજીભાઈ કાગડીયા (ઉં.વ. ૭૨) લાંબા સમયથી પોતાના ઘરે એકલવાયું નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. દરમિયાન, ગત દિવસે તેમના દીકરા પિતાને મળવા માટે ઘરે આવ્યા ત્યારે માવજીભાઈ ઘરના ખાટલામાં બેભાન હાલતમાં પડ્યા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે જસદણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
વૃદ્ધના અચાનક થયેલા આ રહસ્યમય મોતના પગલે પરિવારજનો દ્વારા કોઈ અગમ્ય કારણોસર તેમની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને પગલે સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મોતના સાચા કારણને બહાર લાવવા માટે મૃતદેહને તાત્કાલિક રાજકોટ ખાતે ફોરેન્સિક લેબોરેટરીમાં પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ ખાતે થયેલા ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં માવજીભાઈનું મોત કોઈ ઈજા કે હુમલાને કારણે નહીં, પરંતુ કુદરતી રીતે (બીમારી અથવા હાર્ટ અટેક) થયું હોવાનું સ્પષ્ટ થયું છે. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાની આશંકા ફગવાઈ જતાં પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

