Amreli,તા.૧૧
અમરેલી જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બનતી જોવા મળી રહી છે, ખાસ કરીને ચાવંડ તાલુકા પંચાયત બેઠકને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લોકસાહિત્યકાર માયા આહીરની દીકરીએ રાજકારણમાં એન્ટ્રી કરતાં આ બેઠક પર રાજકીય રસાકસી વધતી દેખાઈ રહી છે.
ચાવંડ તાલુકા પંચાયત બેઠક માટે ભાજપ તરફથી સોનલબેન ડેરએ ઉમેદવારી નોંધાવી છે. તેઓ અમરેલી જિલ્લા ભાજપના આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે, જેને કારણે આ ઉમેદવારીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારના કારણે સોનલબેન ડેરની ઉમેદવારી ચર્ચાનો વિષય બની છે. નોંધનીય છે કે ગત કાર્યકાળ દરમિયાન જીતુ ડેરની પત્ની જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવી હતી, જે પરિવારના રાજકીય પ્રભાવને દર્શાવે છે.
ઉમેદવારી પત્ર રજૂ કરતી વેળાએ સ્થાનિક રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં ધારાસભ્ય જનક તળાવ્યા અને સાંસદ ભરત સુતરીયા સહિતના નેતાઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આ સમગ્ર પરિસ્થિતિને કારણે ચાવંડ તાલુકા પંચાયત બેઠક પર આવનારી ચૂંટણીમાં ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

