Morbi, તા.15
મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે જેમાં મોરબીમાં રહેતા યુવાનને ખોટું નામ ધારણ કરીને તેમજ ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ બનાવીને જમીનનો સોદો કરવાના નામે તેની પાસેથી 1,11,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી તે યુવાનની સાથે વિશ્વાસઘા અને છેતરપિંડી કરવામાં આવતા યુવાને જમીનના દલાલો સહિત કુલ 6 શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે પૈકીના પાંચ આરોપીઓને પકડીને પોલીસ કાર્યવાહી કરેલ છે.
રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં મોમાઈ કેન્ડીની બાજુમાં રહેતા જીગરભાઈ રજાકભાઈ ડોસાણી (42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દયારામ પુંજાભાઈ ડાભી (61) રહે. ભક્તિનગર સર્કલ પાસે રાતડીયાની વાડી મોરબી, મુકેશ નારણભાઈ કંઝારીયા (42) રહે. કૈલાશ પાર્ક સોસાયટી કંડલા બાયપાસ રોડ મોરબી, અલતાફ વલી કોરડીયા (43) રહે. કરાચી કોલોની બીવી પરખાણી સ્કૂલ સામે હળવદ, બળદેવભાઈ જાદવજીભાઈ વરસડા (68) રહે. સોલડી, કાંતિ છગનભાઈ કાવર (52) રહે, બેસાબગઢ પટેલ વાસ તાલુકો ધાંગધ્રા અને કાળુ લખમણભાઇ ગોલતર રહે. બેસાબગઢ ભરવાડ વાસ ધાંગધ્રા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે .
જેમાં તેણે જણાવ્યું છે કે અલ્તાફે બળદેવ અને કાંતિ સાથે મળીને વજેપર ગામે સર્વે નંબર 318 પૈકી 1 ની ખાતેદાર રામજીભાઈ કાળાભાઈ દલવાડીના નામની જમીન ઠગાઈ કરવાના ઈરાદાથી બળદેવે પોતાનું નામ રામજીભાઈ કાળાભાઈ દલવાડી તરીકેનું ધારણ કર્યું હતું અને ખોટું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવ્યું હતું અને ફરિયાદીને જમીનના સોદા માટે દયારામભાઈ અને મુકેશે સાથે મળીને જમીનના સોદા પેટે ફરિયાદી પાસેથી 1,11,000 રૂપિયા પડાવી લીધા હતા.
અને આરોપીએ ખોટું આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરી બનાવટી દસ્તાવેજ ઊભા કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો છે અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને 6 પૈકીના 5 આરોપીઓને ઝડપી લીધા છે અને બાકીના આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી ગઈ છે.

