Gopalganj ,તા.17
હૈદરાબાદ સનરાઈઝર્સના સાકિબ હુસૈને સોમવારે તેની ડેબ્યૂ મેચમાં જ 4 વિકેટ ઝડપી હતી. ગોપાલગંજની ગલીઓથી લઈને આઈપીએલ સુધીનું તેમનું સફર મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. આ એક માતાની જીદ હતી કે તેણે દીકરાને બૂટ અપાવવા માટે પોતાના દાગીના સુધી વેચી દીધાં.
21 વર્ષીય સાકિબનો જન્મ 2005 માં ગોપાલગંજમાં એક સાધારણ પરિવારમાં થયો હતો. પિતા અલી અહેમદ હુસૈનને આર્થિક તંગીને કારણે ખાડીના દેશમાં મજૂર તરીકે જવું પડ્યું હતું.
ઘરની સંપૂર્ણ જવાબદારી માતા સુબુકતારા ખાતૂન પર આવી ગઈ હતી. સાકિબની ક્રિકેટ સફર વર્ષ 2015 માં ગંડક કોલોનીના ખાડા-ટેકરાવાળા મેદાનમાં ટેનિસ બોલ ક્રિકેટ સાથે શરૂ થઈ હતી.
સાકિબ જ્યારે ફાસ્ટ બોલર તરીકે પ્રોફેશનલ ક્રિકેટની શરૂઆત કરી રહ્યો હતો ત્યારે તેને સ્પાઇક્સ બૂટની જરૂર હતી. તેણે માતાને રડતા રડતા કહ્યું, મમ્મી મારી પાસે બૂટ નથી, હું કેવી રીતે રમી શકીશ. માતાએ બૂટની કિંમત સાંભળી તો તે સ્તબ્ધ થઈ ગઈ જેની કિંમત લગભગ 10,000 થી 15,000 રૂપિયાની વચ્ચે હતી.
માતાએ કહ્યું, આટલા મોંઘા બૂટ લઈ લઈશું તો ખાઈશું ક્યાંથી. પરંતુ માતા પોતાના દીકરાના સપનાને અધૂં કેવી રીતે છોડવા દે? તેમણે બૂટ અપાવવા માટે પોતાના દાગીના વેચી દીધા હતા. સાકિબના કાકા અહેમદ હુસૈને કહ્યું કે સાકિબે મેચ પહેલા જ કહ્યું હતું- આજે કંઈક મોટું કરીશ.
રસપ્રદઃ ટેનિસ બોલ ક્રિકેટથી કમાણી
પોતાનાં શરૂઆતનાં દિવસોમાં સાકિબ સ્થાનિક ટેનિસ બોલ ટુર્નામેન્ટ રમતો હતો, જ્યાં તેને દરેક મેચના 500 થી 1,000 રૂપિયા મળતા હતા. આ નાની એવી કમાણીથી તે પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો.
દોડે કરાયો તાકાતનો અહેસાસ
સાકિબ પહેલા સેનામાં જોડાવા માંગતો હતો. ફિટનેસ માટે તે રોજ દોડતો હતો. મિત્રો તેની ઝડપ જોઈને આશ્ચર્યચકિત થયા અને સાકિબને તેની તાકાતનો અહેસાસ કરાવ્યો.
આઈપીએલની કઠિન સફર
– 2024 : કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો, પરંતુ તેમને એક પણ મેચ રમાડી નહીં.
– 2025 : વેચાયા નહીં, પરંતુ તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન ચાલું રાખ્યું.
– 2026 : સનરાઈઝર્સ હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં ખરીદ્યા અને આખરે તેમને સોમવારે તક મળી ગઈ.

