Morbi , તા.17
મોરબીના પીપળીયા ગામે રહેતા યુવાન સાથે બે શખ્સોએ માથાકૂટ કરી હતી અને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે લઈને આવ્યા હતા અને સામાપક્ષેથી પણ એક વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવેલ છે.
મોરબીના પીપળીયા ગામે રહેતા ઓમદેવસિંહ મહિપતસિંહ જાડેજા નામનો 34 વર્ષનો યુવાન ખેતરે હતો ત્યારે ગામના જ યુવરાજસિંહ ઉર્ફે પીન્ટુભા જાડેજા તથા પ્રકાશ દેવીપુજક દ્વારા ઝઘડો-મારામારી કરી છરી મારવામાં આવી હતી.
જેમાં ઈજા થતા ઓમદેવસિંહને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામા પક્ષેથી પ્રકાશ સુરેશભાઈ દેલવાણીયા (35) રહે.પીપળીયા ને પણ મારામારીમાં ઇજા થઈ હોય તેને પણ સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.
ઉપરોક્ત બનાવની હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા સ્ટાફના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી.
યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપથી આગળ આવેલ વિદ્યુતનગર સોસાયટી વિસ્તારમાં રહેતો દેવેન્દ્રભાઈ અરવિંદભાઈ પનારા નામનો 40 વર્ષનો યુવાન કારખાનામાં કામકાજ કરતો હોય ગત તા.9-4 ના સવારે દશેક વાગે રાબેતા મુજબ બાઇક લઈને ઘરેથી લખધીરપુર રોડ બાજુ આવેલા ગ્ર્રેફોન વિટ્રીફાઈડ નામના કારખાનામાં જવા માટે નીકળ્યો હતો.દરમ્યાનમાં રસ્તામાં આગળ જતા બોલેરોની પાછળ તેનું બાઈક અથડાયું હતું.જે બનાવમાં દેવેન્દ્રભાઈ પનારાને ઇજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.તેમ પોલીસએ જણાવેલ છે.
ટ્રક સાથે ટ્રક અથડાતા ઇજા
મોરબીના નવલખી ફાટકથી આગળ નેકસસ સિનેમમાં નજીક ટ્રક સાથે અન્ય ટ્રક અથડાયો હતો જે બનાવમાં સુબોધકુમાર રામઇકબાલ સિંગ (33) રહે.ભુજ ને ઇજા થઈ હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.
બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના સતિષભાઈ ગળચર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ઘુંટુ રોડ નજીક રહેતા નિમુબેન શામજીભાઈ મારૂ નામના 47 વર્ષીય મહિલા ઘુંટુ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટી પાસેથી પગપાળા જતા હતા.
ત્યારે રિક્ષા નંબર જીજે 36 આર 7287 ના ચાલકે તેમને હડફેટ લેતા ઇજા પામેલા નિમુબેનને અત્રે આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરી આ સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.

