(મિલાપ રૂપારેલ) Amreli, તા.18
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે નદી કાંઠે માતા સાથે ગયેલા સગા બે ભાઈઓ રમતા રમતા ઊંડા પાણીમાં ગરક થઈ જતા પાણીમાં ડૂબી જવાના કારણે બંનેના કરુણ મોત નીપજયા હતાં.. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ બનાવમાં પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે ગઈકાલે ગામમાં આવેલ નદી કાંઠે મહિલા કપડાં ધોવા માટે ગયા હતા અને તેમની સાથે તેમના બે પુત્રો પણ ગયા હતાં. ત્યારે રુદ્ર નાજાભાઈ મહીડા (ઉં.વ. 10) અને પાર્થ નાજાભાઈ મહીડા (ઉં.વ.8) બંને ભાઈઓ નદી કાંઠે રમતા હતા, ત્યારે અજાણતા જ બંને ભાઈઓ ઊંડા પાણીમાં ઉતરી જતા ડૂબી ગયા હતા.
આ સમયે આ બાળકોની માતા કપડાં ધોવામાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક બંને બાળકોને ડૂબતા જોઈ તેઓએ બૂમાબૂમ કરી મદદ માટે ચીસો પાડતા જ માતાની ચીસો સાંભળી આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક ગ્રામજનોએ ભારે જહેમત બાદ બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
આ કરુણ ઘટનામાં મહીડા પરિવાર પર આભ ફાટ્યું છે. રુદ્ર અને પાર્થ પરિવારના એકમાત્ર બે સંતાનો હતા, જેમના અચાનક બંનેના અવસાનથી પરિવાર શોકમગ્ન બની ગયો છે.
આ ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને સમગ્ર બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે અને ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

