New Delhi તા.18
મહિલા અનામત ખરડો અને નવુ સિમાંકન બંને લોકસભામાં ગઈકાલે મંજુર ન થઈ શકતા સંસદના બજેટ સત્રને અચોકકસ મુદત માટે મુલત્વી રખાયુ છે તો બીજી તરફ આજે લોકસભા અધ્યક્ષે સવારથી જ મુલાકાતોનો દૌર શરુ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમીત શાહ તેમજ કોંગ્રેસના નેતા કે.સી.વેણુગોપાલન અને અન્ય નેતાઓને મળ્યા હતા તથા બાદમાં તેઓએ અન્ય વિપક્ષના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.
બીજી તરફ હવે સંસદનો જંગ શેરીમાં આવે તેવા સંકેત છે. ભાજપે આ મુદો લોકો વચ્ચે લઈ જવાની જાહેરાત કરી છે તો કોંગ્રેસ વતી આ ખરડામાં આક્રમક રીતે લોકસભામાં વકતવ્ય આપનાર પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે ગઈકાલે જે થયું તે લોકતંત્રની જીત હતી.
તેમણે કહ્યું કે, લોકો બધુ સમજે છે અને હવે ભારત બદલાઈ ચૂકયુ છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં એ પણ જણાવ્યું કે બહુ ઉતાવળથી સત્ર બોલાવાયુ. એક દિવસ પહેલા જ સાંસદોને ખરડાની નકલ અપાઈ હતી અને સરકાર એમ માનતી હતી કે ખરડો પસાર થાય તો પણ તે જીતી જશે.
નામંજુર થાય તો પણ તેની જીત સમજતી હતી પણ આ એક ખૂબ જ આયોજનપૂર્વકનું ષડયંત્ર હતું. સતામાં બની રહેવા માટે ખુદને મહિલાઓના મસીહા દર્શાવવા કોશીશ થઈ હતી. પરંતુ લોકો બધુ જુએ છે અને તેથી જ કોઈપણ કુપ્રચારને સફળતા નહી મળે.
સંસદમાં મહિલા અનામત અને સીમાંકન ખરડો નામંજૂર થયા બાદ હવે ભાજપ નેતૃત્વના એનડીએ અને કોંગ્રેસ નેતૃત્વના ઈન્ડિયા ગઠબંધન બન્નેએ પોતાનો પક્ષ રજુ કરવા દેશભરમાં પત્રકાર પરિષદ યોજવા તૈયારી કરી છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીને ઘેરવા પ્રયત્ન કરશે જયારે ઈન્ડીયા ગઠબંધન ચૂંટણીના રાજયમાં જઈને તેમના મુદા રજુ કરશે.

