નોકરીમાંથી કાઢી મુકાયા બાદ આર્થિક ખેંચ દૂર કરવા વેરાવળના શખ્સે નિંદ્રાધીન મહિલાનો થેલો ચોરી લીધો’તો
Junagadh,તા.23
જુનાગઢ રેલ્વે સ્ટેશનમાં દ્વારકા જવા માટે ટ્રેનની રાહ જોઇ રહેલા મુસાફર રાત્રીના પ્લેટફોર્મ પર સુતા હોઇ તેમના થેલાની કોઇ શખસ ચોરી કરી ગયો હતો. જેમાંથી સોનાનો ચેઇન, વીંટી, મોબાઇલ ફોન અને રોકડ મળી રૂા. ૧,૩૬,૩૪૦ની મત્તા ચોરી લીધી હતી. આ ગુનાનો ભેદ રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે ઉકેલી ગીર સોમનાથના વેરાવળ ખાતે ગરીબ નવાઝ કોલોનીમાં રહેતાં ઇસ્માઇલ ઇકબાલભાઇ તુરક (ઉ.વ.૨૩)ને ઝડપી લીધો હતો.
જુનાગઢ રેલ્વે સ્ટેશન પર રાત્રીના સુતેલા દ્વારકાના મુસાફર મહિલાનો થેલો ચોરાઇ ગયો હતો. . પણ તેમાંથી રોકડ, દાગીના, મોબાઇલ ફોન સહિતની મત્તા ચોરી થઇ ગયાનું માલુમ પડયુ હતું. રેલ્વેના કોચમાં આવેલા સીસીટીવી ફુટેજ ચેક કરતાં એક શકમંદ નજરે પડતા તેના આધારે તપાસ કરી આ શખસને વેરાવળ ગરીબ નવાઝ કોલોનીમાંથી પકડી લીધો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ ઇસ્માઇલ ઇકબાલભાઇ તુરક (ઉ.વ.૨૩) જણાવ્યું હતું.
પોલીસે તેની સઘન પુછતાછ કરતાં તેણે થેલામાંથી ચોરેલો રૂા. ૮૦૭૩૦નો ચોરાઉ ચેઇન, રૂા. ૪૭૬૧૦ની સોનાની વીંટી, રૂા. ૫ હજારનો મોબાઇલ ફોન અને ૩૦૦૦ રોકડા મળી કુલ રૂા. ૧,૩૬,૩૪૦ કબ્જે કર્યા હતાં અને આરોપીને જુનાગઢ રેલ્વે પોલીસને સોંપ્યો હતો.આરોપી ઇસ્માઇલ અગાઉ વાહન ચોરીમાં પકડાયો હતો. તે અગાઉ વેરાવળ જીઆઇડીસીમાં કારખાનામાં મજૂરી કરતો હતો. પણ નોકરીમાંથી કાઢી મુકાતાં પૈસાની ખેંચ ઉભી થઇ હોઇ જુનાગઢ રેલ્વે સ્ટેશને આવી મુસાફરના થેલામાંથી ચોરી કરી હતી. સુતેલા મુસાફરનો થેલો ઉઠાવી બાથરૂમમાં લઇ ગયો હતો અને તેમાંથી રોકડ, દાગીના, મોબાઇલ કાઢી લઇ થેલો રેઢો મુકી દીધો હતો.

