(મહેશ રાવલ દ્વારા) Surendranagar તા.૨૩
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં વધુ એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. પાટડી-દસાડા હાઈવે પર આવેલા એછવાડા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે એક બેકાબૂ ટ્રેલર અને રિક્ષા વચ્ચે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષામાં સવાર લોકોને બચવાની તક જ મળી ન હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતમાં જાન ગુમાવનાર ત્રણેય મૃતકો સ્થાનિક વિસ્તારના હોવાનું સામે આવ્યું છે
મેહુલભાઈ પટેલ (રહે. ટુવડ ગામ), બળદેવભાઈ ઠાકોર(રહે. ટુવડ ગામ), કિરણભાઈ સિંધવ (રહે. ટુવડ ગામ). પોસ્ટમોર્ટમની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતકોના શવને બહાર કાઢીને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરછે.
પાટડી અને દસાડા પંથકમાં ભારે વાહનો અને ટ્રેલરોને કારણે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હજુ ગત ૧૫ જૂના રોજ કઠાડા નજીક પણ આવો જ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ટૂંકા ગાળામાં જ ફરીથી ત્રણ આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર મળતા ટુવડ ગામ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે. સ્થાનિકો દ્વારા હાઈવે પર ઓવરસ્પીડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

