રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં બે પક્ષોએ ચાની ટપરી ચલાવતા સામાન્ય નાગરિક પર વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ આપી
Narmada તા.૧૮
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાવાળાની એન્ટ્રી થઈ છે. નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકામાં બે પક્ષે ચાની ટપરી ચલાવતા સામાન્ય નાગરિકને ટિકિટ આપી છે. જેમાં ભાજપે ગીતાબેન પાટણવાડિયા, કે જેઓ ચાની કીટલી ચલાવે છે તેમને વોર્ડ નંબર ૭ માંથી ઉમેદવારી કરાવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ વોર્ડ નંબર ૫ માં સિકંદર ચાવાળાને મેદાને ઉતાર્યા છે.
ચૂંટણીનો જંગ હવે નજીકના દિવસોમાં પૂરજોશમાં ચાલવાનો છે. રાજપીપળા નગરપાલિકાની બે બેઠકો ચર્ચાનો વિષય બની છે. જેનું કારણ છે કે બે ચાવાળા. બે અલગ અલગ પક્ષ અને અલગ અલગ વોર્ડમાં ટિકિટ આપવામાં આવી છે. એક છે ગીતાબેન પાટણવાડિયા કે જેમને ભાજપે ટિકિટ આપી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ સિકંદર ચાવાળાને ટિકિટ આપી છે. જોકે બન્ને આમને સામને નહીં પણ અલગ અલગ વોર્ડમાં ચૂંટણી લડી રહ્યા છે.
ગીતાબેન પાટણવાડિયા વોર્ડ નંબર-૭ માં અને સિકંદર ચાવાળા વોર્ડ નંબર-૫ માંથી ચૂંટણી લડી રહ્યા છે. ગીતાબેન પાટણવાડિયાની જો વાત કરીએ તો, ૩૫ વર્ષથી કોલેજ રોડ પર ચાની ટપરી ચલાવી રહ્યા છે. ગીતાબેનના પરિવારમાં એક દીકરો છે અને એક દીકરી છે. દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. પતિના મૃત્યુ બાદ ગીતાબેને ચાની ટપરીની શરૂઆત કરી હતી. તેઓ ચાની કીટલીથી પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ પણ તેઓ ચૂંટણી પ્રચારની સાથે સાથે ચાની કીટલીનું પણ ધ્યાન રાખે છે. પહેલા કીટલી પર કામ પતાવીને પછી પ્રચારમાં જાય છે.
ગીતાબેનનું કહેવું છે કે દેશના પ્રધાનમંત્રી પણ પહેલા ચાની ટપરી પર કામ કરતા હતા અને આજે તે દેશના પ્રધાનમંત્રી બન્યા છે. જોકે હું ત્યાં સુધી નહીં પહોંચી શકું. પણ રાજપીપળા નગરપાલિકામાં વિજેતા બનીને સમાજ સેવા કરવા માગું છું. ગીતાબેનની ટપરી પર આવતા લોકો પણ તેમને સપોર્ટ કરીને વિજેતા બનાવવા માંગે છે. સ્થાનિકો કહે છે કે, ગીતાબેનનો પરિવાર વર્ષોથી આ કીટલી પર કામ કરે છે અને લોક સેવા પણ કરી રહ્યા છે. જેથી જો તેઓ કોર્પોરેટર બનશે તો અમારા વિસ્તારમાં કામ કરશે જેથી એમને જ વિજેતા બનાવીશું.
બીજી બાજુ વોર્ડ નંબર-૫ માંથી રાજપીપળા ડેપો ખાતે ચાની કીટલી ચલાવનાર સામાન્ય વ્યક્તિ સિકંદર ગોરી, જેમને લોકો સિકંદર ચાવાળાના નામથી ઓળખે છે, તેઓને આમ આદમી પાર્ટીએ ઉમેદવારી કરાવી છે. સિકંદરભાઈ પણ ૪૦ વર્ષથી ચાની ટપરી ચલાવે છે. પહેલા પણ કાઉન્સિલર રહી ચૂકેલા સિકંદરભાઈ કહે છે કે, આ વખતે મારા જ મતદારોએ મને ચૂંટણી લડવા માટે તૈયાર કર્યો હતો. ભાજપે છેલ્લા ૧૦ વર્ષમાં મારા વિસ્તારમાં કોઈ કામ કર્યા નથી. જેથી મેં મારા વોર્ડના વિકાસ માટે ઉમેદવારી કરી છે. હું મારા પરિવારનું ગુજરાન ચલાવવા ચાની કીટલી ચલાવું છું.
આમ આદમી પાર્ટીએ એક સામાન્ય ચાની ટપરી ચલાવનારને ટિકિટ આપી છે જે મારા માટે ગર્વની વાત છે. હું મારા વોર્ડના ૪ બેઠક પર વિજેતા થઈને રાજપીપલા શહેરના વિકાસ માટે કામ કરીશ.હવે જોવું રહ્યું કે ભાજપના ચાની કીટલીના ઉમેદવાર વિજેતા થાય છે કે, પછી આમ આદમી પાર્ટીનો ચાવાળો જીત લઈ જશે.

