પૂર્વશ્ર્લોકમાં ભગવાને બતાવ્યું કે મારા અને તારા ઘણાયે જન્મો થઇ ચુક્યા છે.હવે આગળના શ્ર્લોક (૪/૬)માં ભગવાન પોતાના અવતારની વિલક્ષણતા બતાવતાં કહે છે..
અજોऽપિ સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોऽપિ સન્
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા
(અજઃ-હું અજન્મા અને, અવ્યયાત્મા-અવિનાશી સ્વરૂપ, સન્-હોવા છતાં, અપિ-પણ અને, ભૂતાનામ્-બધાંય પ્રાણીઓનો, ઇશ્વરઃ-ઇશ્વર, સન્-હોવા છતાં, અપિ-પણ, સ્વામ્-પોતાની, પ્રકૃતિમ્-પ્રકૃતિને, અધિષ્ઠાય-આધિન કરીને, આત્મમાયયા-પોતાની યોગમાયાથી, સંભવામિ-પ્રગટ થાઉં છું.)
હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ અને બધાંય પ્રાણીઓનો ઇશ્વર હોવા છતાં પણ પોતાની પ્રકૃતિને આધિન કરીને પોતાની યોગમાયાથી પ્રગટ થાઉં છું.
આ છઠ્ઠો શ્ર્લોક છે જેમાં છ વાતોનું વર્ણન થયું છે.અજ-અવ્યય અને ઇશ્વર-એ ત્રણ વાતો ભગવાનની છે.આ ત્રણે રૂપોને જાણવા અને ન જાણવાની વાત કહી છે,પ્રકૃતિ અને યોગમાયા-એ બે વાતો ભગવાનની શક્તિની છે અને એક વાત ભગવાનના પ્રગટ થવાની છે.
અજોऽપિ સન્નવ્યયાત્મા-જે જન્મે નહી તેને અજ કહેવાય.આ પદો વડે ભગવાન એ બતાવે છે સાધારણ મનુષ્યોની જેમ ન તો મારો જન્મ છે અને ન મારૂં મૃત્યુ પણ છે.મનુષ્યો જન્મ લે છે અને મરી જાય છે પરંતુ હું ‘અજન્મા’ હોવા છતાં પણ અંતર્ધાન થઇ જાઉં છું.પ્રગટ થવું અને અંતર્ધાન થવું-બંન્નેય મારી અલૌકિક લીલાઓ છે.તમામ પ્રાણીઓ જન્મ પહેલાં અપ્રગટ-અવ્યક્ત હતાં અને મર્યા પછી અપ્રગટ-અવ્યક્ત છે,ફક્ત વચમાં પ્રગટ-વ્યક્ત છે પરંતુ સૂર્યની જેમ ભગવાન સદાય પ્રગટ રહે છે,તેનો અર્થ એ છે કે જેવી રીતે સૂર્ય ઉદય થયા પહેલાં પણ જેમ છે તેમ રહે છે અને અસ્ત થયા પછી પણ જેમ છે તેમ રહે છે એટલે કે સૂર્ય તો સદાય રહે છે પરંતુ સ્થાનવિશેષના લોકોની દ્રષ્ટિમાં તેનો ઉદય અને અસ્ત થતો દેખાય છે,એવી જ રીતે ભગવાનનું પ્રગટ થવું અને અંતર્ધાન થવું એ લોકોની દ્રષ્ટિમાં છે,વાસ્તવમાં ભગવાન સદાય અપ્રગટ રહે છે.
બીજા પ્રાણીઓ જેવી રીતે કર્મોને પરતંત્ર થઇને જન્મ લે છે,ભગવાનનો જન્મ તેવી રીતે થતો નથી. કર્મોની પરતંત્રતાને લીધે જન્મ થવાથી બે વાતો થાય છે-આયુષ્ય અને સુખ-દુઃખનો ભોગ.ભગવાનમાં આ બંન્નેય હોતા નથી.બીજા લોકો જન્મે છે તો પહેલાં શરીર બાળક હોય છે પછી મોટું થઇને યુવાન થઇ જાય છે,પછી વૃદ્ધ થઇ જાય છે અને મરી જાય છે પરંતુ ભગવાનમાં આ પરીવર્તન થતાં નથી.તેઓ અવતાર લઇને બાળલીલા કરે છે અને કિશોર અવસ્થા સુધી વધવાની લીલા કરે છે.કિશોર અવસ્થા સુધી પહોચ્યા બાદ પછી તેઓ નિત્ય કિશોર જ રહે છે.સેંકડો વર્ષ વિતવા છતાં ભગવાન તેવા જ સુંદર સ્વરૂપે રહે છે, એટલા માટે ભગવાનનાં જેટલા ચિત્ર બનાવવામાં આવે છે તેમાં તેમની દાઢી-મૂંછો હોતી નથી.આ રીતે બીજા પ્રાણીઓની જેમ ન તો ભગવાનનો જન્મ થાય છે,ન પરીવર્તન થાય છે અને ન મૃત્યુ પણ થાય છે.
ભૂતાનામીશ્વરોऽપિ સન્-પ્રાણીમાત્રના એક માત્ર ઇશ્વર રહેતા હોઇને પણ ભગવાન અવતારના સમયે નાનકડા બાળક બની જાય છે પરંતુ બાળક બની જવા છતાં તેમના ઇશ્વરભાવમાં જરાય ઉણપ આવતી નથી.જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણે છઠ્ઠીના દિવસે જ પૂતના રાક્ષસીને મારી નાખી હતી.પૂતનાનું શરીર અઢી યોજનનું અને મહાભયંકર હતું.જો તેમનામાં ઇશ્વરભાવ ના હોત તો છઠ્ઠીના દિવસે પૂતનાને કેવી રીતે મારી શક્યા હોત? ભગવાને ત્રણ મહિનાની અવસ્થામાં શકટાસુરને,એક વર્ષની અવસ્થામાં તૃણાવતને અને પાંચ વર્ષની અવસ્થામાં અઘાસુરને મારી નાખ્યો હતો.આ રીતે ભગવાને બાલ્યાવસ્થામાં જ અનેક રાક્ષસોને મારી નાખ્યા હતા.સાત વર્ષની અવસ્થામાં જ તેમને ગોવર્ધન પર્વતને એક આંગળી ઉપર ઉઠાવી લીધો હતો.
તમામ પ્રાણીઓના ઇશ્વર હોવા છતાં પણ ભગવાન અવતારના સમયે નાનામાં નાના બની જાય છે અને નાનામાં નાનું કામ પણ કરી દે છે.વાસ્તવમાં આ જ ભગવાનની ભગવત્તા છે.ભગવાન અર્જુનનો રથ હાંકે છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે તેમછતાં પણ ભગવાનનો અર્જુન ઉપર અને બીજા પ્રાણીઓ ઉપર ઇશ્વરભાવ તેવોને તેવો જ છે.સારથી હોવા છતાં પણ તેઓ અર્જુનને ગીતાનો મહાન ઉપદેશ આપે છે. પિતા દશરથની આજ્ઞાને ભગવાન શ્રીરામ ટાળતા નથી અને ચૌદ વરસ માટે વનમાં ચાલ્યા જાય છે,તેમ છતાં પણ ભગવાનનો દશરથજી ઉપર અને બીજા પ્રાણીઓ ઉપર ઇશ્વરભાવ તેવોને તેવો જ રહે છે.
પ્રકૃતિં સ્વામધિષ્ઠાય-જે સત્વ-રજ અને તમ-આ ત્રણે ગુણોથી અલગ છે તે ભગવાનની શુદ્ધ પ્રકૃતિ છે.આ શુદ્ધ પ્રકૃતિ ભગવાનનું પોતાનું સચ્ચિદાનંદઘન સ્વરૂપ છે.એને જ આહ્લાદિની-શક્તિ કહે છે,અને જે ચિન્મય-શક્તિ,કૃપાશક્તિ વગેરે નામોથી ઓળખાય છે.શ્રી રાધાજી,શ્રી સીતાજી વગેરે પણ એ જ છે. ભગવાનને પ્રાપ્ત કરાવવાવાળી ‘ભક્તિ’ અને ‘બ્રહ્મવિદ્યા’ પણ એ જ છે.પ્રકૃતિ ભગવાનની શક્તિ છે.જેવી રીતે અગ્નિમાં બે શક્તિઓ રહે છેઃપ્રકાશિકા અને દાહિકા.પ્રકાશિકા શક્તિ અંધકારને દૂર કરીને પ્રકાશ આપે છે તથા ભય પણ દૂર કરે છે.દાહિકા શક્તિ બાળે છે તથા વસ્તુને રાંધે છે તેમજ ઠંડક પણ દૂર કરે છે.આ બંન્ને શક્તિઓ અગ્નિથી ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી.ભિન્ન એટલા માટે નથી કે તેઓ અગ્નિરૂપ છે એટલે કે તેમને અગ્નિથી અલગ કરી શકાતી નથી અને અભિન્ન એટલા માટે નથી કે અગ્નિના રહેવા છતાં પણ મંત્ર,ઔષધ વગેરેથી અગ્નિની દાહિકાશક્તિ કુંઠીત કરી શકાય છે.એવી જ રીતે ભગવાનમાં જે શક્તિ રહે છે તેને ભગવાનથી ભિન્ન અને અભિન્ન બંન્ને કહી શકતા નથી.
જેવી રીતે દિવાસળીમાં અગ્નિની સત્તા તો સદા રહે છે પરંતુ તેની પ્રકાશિકા અને દાહિકાશક્તિ છુપાયેલી રહે છે એવી જ રીતે ભગવાન સમસ્ત સ્થળ,કાળ,વસ્તુ,વ્યક્તિ વગેરેમાં સદા રહે છે પરંતુ તેમની શક્તિ છુપાયેલી રહે છે.તે શક્તિને આધિન કરીને,પોતાના વશમાં કરીને તેના દ્વારા ભગવાન પ્રગટ થાય છે. જેમકે જ્યાં સુધી અગ્નિ પોતાની પ્રકાશિકા અને દાહિકાશક્તિની સહાયથી પ્રગટ થતો નથી ત્યાં સુધી સદા રહેવા છતાં પણ તે દેખાતો નથી એવી જ રીતે ભગવાન જ્યાંસુધી પોતાની શક્તિની સહાયથી પ્રગટ થતા નથી ત્યાંસુધી ભગવાન સદા રહેવા છતાં પણ દેખાતા નથી.
ભગવાન સામાન્ય રીતે બધી જગ્યાએ રહેવા છતાં પણ કોઇ કામ કરતા નથી.જ્યારે કરે છે ત્યારે પોતાની દિવ્યશક્તિની સહાયથી જ કરે છે.તે દિવ્યશક્તિ દ્વારા ભગવાન વિચિત્ર-વિચિત્ર લીલાઓ કરે છે. તેમની લીલાઓ એટલી વિચિત્ર અને અલૌકિક હોય છે કે તેમને સાંભળીને,ગાઇને અને યાદ કરીને પણ જીવ પવિત્ર થઇને પોતાનો ઉદ્ધાર કરી લે છે.
નિર્ગુણ ઉપાસનામાં તે જ શક્તિ ‘બ્રહ્મવિદ્યા’ બની જાય છે અને સગુણ ઉપાસનામાં તે જ શક્તિ ‘ભક્તિ’ બની જાય છે.જીવ ભગવાનનો અંશ છે.જ્યારે મનુષ્ય તે સંસારમાં માનેલી મમતાને હટાવીને એકમાત્ર ભગવાની સ્વતઃસિદ્ધ વાસ્તવિક આત્મિયતાને જાગૃત કરી લે છે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે,તે ભક્તિ એટલી વિલક્ષણ છે કે નિરાકાર ભગવાનને પણ સાકારરૂપે પ્રગટ કરી દે છે,ભગવાનને પણ ખેંચી લે છે,તે ભક્તિ પણ ભગવાન આપે છે.
ભગવાનની ભક્તિરૂપી શક્તિનાં બે રૂપો છેઃવિરહ અને મિલન.ભગવાન વિરહ પણ મોકલે છે અને મિલન પણ જ્યારે ભગવાન વિરહ મોકલે છે ત્યારે ભક્ત ભગવાન વિના વ્યાકુળ થઇ જાય છે.વ્યાકુળતાની અગ્નિમાં સંસારની આસક્તિ બળી જાય છે અને ભગવાન પ્રગટ થઇ જાય છે.જ્ઞાનમાર્ગમાં ભગવાનની શક્તિ પહેલાં ઉત્કટ જીજ્ઞાસાના રૂપમાં આવે છે.જેથી તત્વને જાણ્યા વિના સાધકથી રહી શકાતું નથી અને પછી બ્રહ્મવિદ્યારૂપે જીવના અજ્ઞાનનો નાશ કરીને તેના વાસ્તવિક સ્વરૂપને પ્રકાશિત કરી દે છે પરંતુ ભગવાનની તે દિવ્યશક્તિ જેને ભગવાન વિરહરૂપે મોકલે છે તેનાથી પણ બહુ વિલક્ષણ છે.ભગવાન ક્યાં છે? શું કરૂં? ક્યાં જાઉં? આ રીતે ભક્ત વ્યાકુળ થઇ જાય છે,તો આ વ્યાકુળતા બધાં પાપોનો નાશ કરીને ભગવાનને સાકારરૂપે પ્રગટ કરી દે છે.વ્યાકુળતાથી જેટલું જલ્દી કામ બને છે તેટલું વિવેક-વિચારપૂર્વક કરવામાં આવેલા સાધન વડે થતું નથી.
સંભવામ્યાત્મમાયયા-જે મનુષ્યો ભગવાનથી વિમુખ રહે છે,તેમની સામે ભગવાન પોતાની યોગમાયામાં છુપાયેલા રહે છે અને સાધારણ મનુષ્યના જેવા જ દેખાય છે.મનુષ્ય જેમ જેમ ભગવાનની સન્મુખ થતો જાય છે તેમ તેમ ભગવાન તેની સમક્ષ પ્રગટ થતા જાય છે.આ જ યોગમાયાનો આશ્રય લઇને ભગવાન વિચિત્ર-વિચિત્ર લીલાઓ કરે છે.
ભગવાનથી વિમુખ મૂઢ પુરૂષની આગળ બે પડદા રહે છે-એક તો પોતાની મૂઢતાનો અને બીજો ભગવાનની યોગમાયાનો.પોતાની મૂઢતા રહેવાના કારણે ભગવાનનો પ્રભાવ એટલે કે તે પ્રગટ હોવાછતાં પણ તે એને સમજી શકતો નથી,જેમકે દ્રોપદીનાં ચીરહરણ કરવા માટે દુઃશાસન પોતાનું બધું બળ વાપરે છે,તેની ભુજાઓ થાકી જાય છે પરંતુ સાડીઓનો અંત આવતો નથી.ભગવાને પોતાનું ઐશ્વર્ય સાક્ષાત પ્રગટ કરી દીધું પરંતુ પોતાની મૂઢતાના કારણે દુઃશાસન,દુર્યોધન,કર્ણ વગેરે ઉપર આ વાતની કોઇ અસર જ ના પડી કે દ્રોપદી દ્વારા ભગવાનને પોકારવા માત્રથી કેટલી વિલક્ષણતા પ્રગટ થઇ ગઇ ! એક સ્ત્રીનું ચીરહરણ પણ ના કરી શક્યા તો વધારે શું કરી શકે છે ! આ તરફ તેમની દ્રષ્ટિ જ ના ગઇ.ભગવાનનો પ્રભાવ સામે દેખતા હોવાછતાં પણ તેઓ તેમણે જાણી ના શક્યા.
જો જીવ પોતાની મૂઢતા-અજ્ઞાન દૂર કરી દે તો તેને પોતાના સ્વરૂપનો કે પરમાતત્વનો બોધ થઇ જાય છે પરંતુ ભગવાનનાં દર્શન થતાં નથી.ભગવાન પોતાની યોગમાયાનો પડદો હટાવી દે ત્યારે ભગવાન નાં દર્શન થાય છે.ભગવાનને શરણે થઇ જઇએ ત્યારે ભગવાન પોતાની શક્તિ વડે તેનું અજ્ઞાન દૂર કરી દે છે અને દર્શન આપે છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

