New Delhi તા.22
જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં ગયા વર્ષે 22 એપ્રિલ 2025 માં આતંકીઓએ હુમલો કરી નિર્દોષ 26 લોકોના જીવ લીધા હતા. પહેલગામ આતંકી હુમલાની આજે પ્રથમ વરસી પર વડાપ્રધાન મોદીએ જીવ ગુમાવનારા મૃતકોને શ્રધ્ધાંજલી આપતા કહ્યું હતું કે આતંકવાદ સામે ભારત કયારેય નહિં ઝુકે.
પહલગામમાં થયેલા દર્દનાક આતંકવાદી હુમલાને (Pahalgam Terror Attack) આજે એક વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશ શહીદો અને નિર્દોષ નાગરિકોને યાદ કરી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શ્રદ્ધાંજલિ અર્પતા આતંકવાદ વિરુદ્ધ ભારતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ભારત આતંકી સંગઠનોના નાપાક ઈરાદાઓ સામે ક્યારેય મસ્તક ઝુકાવશે નહીં.
વડાપ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું કે, “આજથી એક વર્ષ પહેલા પહલગામમાં જે બન્યું તે દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકો પ્રત્યે મારું હૃદય ભરાઈ આવે છે. આ મુશ્કેલ સમયમાં સમગ્ર રાષ્ટ્ર શોકગ્રસ્ત પરિવારોની સાથે અડીખમ ઊભું છે.” પીએમ મોદીના આ નિવેદને ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારત આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ પર કાયમ છે.
પીએમ મોદીએ આતંકીઓને આડકતરો પડકાર ફેંકતા કહ્યું કે, ભારત ઉગ્રવાદી હિંસાના દરેક પ્રયાસનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદને પોષનારા શક્તિઓના ઈરાદાઓ ભારતીય લોકશાહી અને શાંતિને ડગાવી શકશે નહીં.
બરાબર એક વર્ષ પહેલા, આતંકવાદીઓએ પહલગામમાં પ્રવાસીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 25 પ્રવાસીઓ સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ધર્મના આધારે પ્રવાસીઓને અલગ પાડીને કરવામાં આવેલા આ હુમલાએ સમગ્ર દેશમાં ભારે રોષ અને આક્રોશ જન્માવ્યો હતો. આજે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવાની સાથે સુરક્ષા દળોએ સંકલ્પ કર્યો છે કે ખીણની શાંતિ ડહોળનારા તત્વોને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

