New Delhi તા.22
ભારતીય ઓઈલ ટેન્કર “દેશ ગરીમા” હોર્મુઝની સામુદ્રધુની પાર કરીને ભારતમાં પહોંચ્યું છે. દેશ ગરિમા ક્રૂડ ઓઈલ ટેન્કર જે નોંધપાત્ર પ્રમાણમાં તેલ વહન કરે છે તે ભારતમાં પહોંચ્યું છે પરંતુ હાલમાં તે મુંબઈ કિનારાથી થોડા નોટિકલ માઈલ દૂર સમુદ્રમાં લંગરાયેલું છે.
આ જહાજ 18 એપ્રિલના રોજ હોર્મુઝથી રવાના થયું હતું અને ભારતીય ધ્વજ લહેરાવતા હોર્મુઝની સામુદ્રધુનીમાં IRGC દ્વારા ગોળીબાર છતાં સફર ચાલુ રાખી હતી અને હવે સુરક્ષિત રીતે ભારતમાં પહોંચી ગયું છે. અહેવાલો અનુસાર, 31 ભારતીય ખલાસીઓ બોર્ડ પર છે, અને તેનું સુરક્ષિત આગમન ઈંધણની અછતમાંથી નોંધપાત્ર રાહત આપશે.
એ નોંધવું જોઈએ કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે IRGC દ્વારા બે અન્ય ભારતીય જહાજો, VLCC સન્માર હેરાલ્ડ અને બલ્ક કેરિયર જગ અર્નવ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને જહાજોને પાછા ફરવાની ફરજ પડી હતી.
ભારતે આ ગોળીબારનો સખત વિરોધ કર્યો હતો. જોકે તેમાં સવાર ક્રૂ સભ્યોને કોઈ ઈજા થઈ ન હતી. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલી હુમલા પછી શરૂ થયેલા સંઘર્ષ પછી ઈરાની સુરક્ષા દળોએ ભારતીય જહાજ પર હુમલો કર્યો હોય તેવું આ પ્રથમ વખત હતું.

