ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જે વિસ્તારોમાં હંમેશા અંધારું રહે છે , ત્યાં પાણીનો બરફ અગાઉની ધારણા કરતા વધુ સુરક્ષિત અને સ્થિર છે. એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ અંધકારમય વિસ્તારોનો 74% ભાગ ઉલ્કાપિંડ કે અન્ય અથડામણોથી બિલકુલ પ્રભાવિત થયો નથી. આનો અર્થ એ છે કે ત્યાં અબજો વર્ષો જૂનો બરફ હજુ પણ અકબંધ છે.
ભારતની PRL અને IISER જેવી સંસ્થાઓએ નાસા અને ઈસરોના ચંદ્રયાન-2 ના ડેટાનો ઉપયોગ કરીને આ અભ્યાસ કર્યો છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તાપમાન અત્યંત ઓછું હોવાને કારણે ત્યાં બરફ જળવાઈ રહ્યો છે. અભ્યાસ મુજબ, લાખો નાના ખાડાઓ હોવા છતાં, મોટાભાગનો વિસ્તાર સુરક્ષિત છે.જ્યાં ખાડા નથી, ત્યાં ’ગાર્ડનિંગ’ પ્રક્રિયા દ્વારા બરફ સપાટીની નજીક આવે છે, જે ભવિષ્યના મિશન માટે પાણી મેળવવું સરળ બનાવી શકે છે. આ ડેટા ભારત અને જાપાનના સંયુક્ત મિશન ’ચંદ્રયાન-5’ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે, જે 2027-28 માં ચંદ્ર પર પાણીની શોધ કરવા માટે લેન્ડર અને રોવર મોકલશે.

