(મિલાપ રૂપારેલ) Amreli, તા.27
અમરેલીના જેસીંગપરામાં આવેલ અંબિકાનગર શેરી નં.6માં રહેતાં અને કેટરર્સનું કામ કરતાં પારસભાઈ મધુભાઈ તળાવીયાએ ગત 16ના રોજ અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી જણાવેલ છે કે, અમરેલી જિલ્લા કોંગેસના આગેવાન અને માજી સાંસદ વિરજીભાઈ કે. ઠુંમર, તથા તેમનાં પુત્રી અને પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેનીબેન વિરજીભાઈ ઠુંમર તથા જયંતીભાઈ બાબુભાઈ ઠુંમર સામે ભારતીય ન્યાય સહિતાની કલમ-316(2), 318(4), 352, 351(3), 54 અન્વયે એફ.આઈ.આર.દાખલ કરવા માટે એક અરજી આપેલ છે.
જેનાં પગલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે ભારે ચકચાર જાગી છે. અરજદારે જણાવેલ છે કે, અરજીમાં જણાવેલ છે કે, વિરજીભાઈ કે. ઠુંમર, તથા તેમના પુત્રી જેનીબેન વિરજીભાઈ ઠુંમર તથા જયંતીભાઈ બાબુભાઈ ઠુંમર રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય અને આરોપી નંબર- 1,2 ના અવર નવાર ચુંટણીઓ લડતા હોય તેમાં અરજદારને પબ્લિક સભા કે પબ્લિક મીટીંગમાં જમણવાર માટે ઓર્ડર આપે છે.
સને-2024માં અમરેલી મુકામે સાંસદની ચુંટણી હોય, જેમાં કોંગ્રેસ પાર્ટી તરફથી જેનીબેન ઠુમ્મરને ટીકીટ મળતા વિરજીભાઈ ઠુંમર તથા જયંતીભાઈ ઠુંમરે તેમના વી.કે. ફાર્મ ઉપર અરજદારને બોલાવેલ અને આ ચુંટણીમાં જ્યાં જ્યાં નાસ્તો તેમજ જમણવાર થાય ત્યાં અરજદારે રસોડુ કરવું તેમ નક્કી થયેલ હતું.
અમરેલી જીલ્લામાં 75 ગામડામાં અરજદારે નાસ્તાનું કામ રાખેલ હતું. જે રસોડું કરેલ હતું. તથા જેનીબેન દ્વારા સાંસદનું ફોર્મ ભરેલ, ત્યારે તા.16/4/24 ના રોજ અમરેલી મુકામે કુકાવાવ રોડ ઉપર આરોપી ના વી.કે.ફાર્મમાં 4000 જેટલા લોકો માટે જમણવાર રાખેલ હતો. ત્યાર બાદ અનેક સ્થળોએ નાસ્તા-જમણવારનું કુલ બિલ રૂપિયા 22,60,005 થયેલ જેમાં અરજદાર ને રોકડેથી તેમજ ચેકથી કુલ રૂપિયા 15,63,807 આરોપીએ ચુકવેલ છે, અને હાલ કુલ રૂપિયા 6,96,198 રૂપિયા અરજદાર આરોપીઓ પાસેથી લેવાના નીકળે છે.
આમ અરજદાર દ્વારા અમારી લેણી રકમ વસુલ લેવા માટે અનેક વખત રૂબરૂમાં મળેલ અને વોટ્સએપથી આરોપીને બે વખત મેરોજ કરી જણાવેલ છે, પરંતુ બાકી લેણી રકમ ચૂકવતા ના હોય, અને હાલના આરોપીઓએ એક સંપ કરી અરજદાર સાથે છેતરપીંડી કરી વિશ્ર્વાસ ઘાત કરેલ હોય તથા અમારી સામે ખોટી ફરિયાદ કરાવેલ હોય, જેમ કરીને આરોપીઓ ભારતીય ન્યાય સહિતાની કલમ-316(2), 318(4), 352, 351(3), 54 અન્વયે ગુનો કરેલ હોય હાલના તમામ આરોપી ઓ સામે એફ.આઈ.આર.દાખલ થવા અમારી ફરિયાદ છે.
જેનીબેન ઠુંમરની પ્રતિક્રિયા
આ અંગે પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેની વિરજીભાઈ ઠુંમરે સોશિયલ મીડિયા મારફતે જણાવેલ છે કે, ભાજપના રાજકીય માંધાતાઓ તેઓનાં ચૂંટણીના પ્રચાર પ્રસારથી ભયભીત તો છે જ. લોકસભાની ચૂંટણીના બાકી નીકળતા નાણા (એક રૂપિયો બાકી નથી)ની વાહિયાત અને તદ્દન પાયાવિહોણી ફરીયાદનો પ્રચાર મીડિયાના માધ્યમથી મતદાનના 2 દિવસ પહેલા પ્રજાને ગુમરાહ કરવા ફેલાવી રહ્યા છે. બિચારો ફરીયાદી જ રાજકીય હાથો બનેલ છે જેના પરીવાર પ્રત્યે દયાભાવના વ્યક્ત કરું છું, મીડિયાના મિત્રો લોકોને ભ્રમિત કરવા ભાજપનો હાથો ન બને એવી લાગણી પણ વ્યક્ત કરું છું.

