New Delhi,તા.29
દેશભરમાં હાલ ભારે ગરમીનો પ્રકોપ ચાલુ છે, અનેક રાજયોમાં તાપમાન 45 ડીગ્રી સેલ્સીયસથી ઉપર પહોંચ્યું છે, જેને લઈને હવામાન વિભાગે વ્યાપક એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ આ વખતે ચિંતા માત્ર દિવસની ભારે ગરમીને લઈને નથી, બલકે રાત્રીઓ પણ અસામાન્ય રીતે ગરમ થઈ રહી છે.
આથી શરીરને ઠંડા થવાનો સમય નથી મળી રહ્યો, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિલ્હી, હરિયાણા અને ઉતર પ્રદેશનાઅનેક ભાગોમાં ગરમ રાતની સ્થિતિ બની શકે છે, જયાં ન્યુનતમ તાપમાન 26થી29 ડીગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે.
દિલ્હીમાં રાતનું તાપમાન ઉંચુઃ દિલ્હીમાં એપ્રિલ મહિના દરમિયાન રાતનું તાપમાન સામાન્યથી વધુ નોંધવામાં આવ્યું છે. તે હાલમાં વર્ષોમાં સરેરાશ અને લાંબા સમયના સરેરાશ બન્નેથી ઉપર રહ્યું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર આ મહિને મોટાભાગે દિવસમાં ન્યુનતમ તાપમાન 2020-2025ના સરેરાશ અને 1991-2020ના સામાન્ય સ્તરથી વધુ રહ્યું.
આ વર્ષે એપ્રિલના મધ્યથી જ રાગો વધુ ગરમ થવા લાગી. 29 એપ્રિલે તાપમાન 28.5 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયું હતું, જયારે 18થી29 એપ્રિલ વચ્ચે લગભગ દરરોજ તાપમાન સામાન્યથી ઉપર રહ્યું.
દેશના અનેક ભાગોમાં વધી અસરઃ આ સ્થિતિ માત્ર દિલ્હી સુધી સીમીત નથી, દેશભરમાં ઓછામાં ઓછા 17 સ્થળો પર રાતનું તાપમાન સામાન્યથી 5 ડિગ્રી સેલ્સીયસથી વધુ તાપમાન નોંધાયુ.
મધ્યપ્રદેશના ઉમરિયામાં તાપમાન 7.7 ડીગ્રી રાજસ્થાનના ફલોદીમાં 7.6 ડીગ્રી અને ઉતરપ્રદેશના મુઝફફરનગરમાં 6.1 ડીગ્રી સેલ્સીયસ સુધી સામાન્યથી વધુ રહ્યું. આ ઉપરાંત અમૃતસર, હિસ્સાર, રોહતક, ચિત્રકુટ, સતના અને સુંદરગઢ જેવા વિસ્તારોમાં પણ રાતનું તાપમાન ઘણુ વધુ રહ્યું.
હવામાન વિભાગના અનુસાર સતત ગરમ રાતો શરીર પર વધુ દબાણ નાંખે છે, આથી હિટ સ્ટ્રેસ વધે છે. ભલે દિવસનું તાપમાન થોડુ ઘટી જાય. જયારે રાત્રે પણ ગરમી ચાલુ રહે છે તો શરીરને ઠંડુ થવા માટેનો સમય જ નથી મળતો, જેથી વૃદ્ધો, મજુરો અને ખરાબ વેન્ટીલેશન (હવાની અવર-જવર) વાળા ઘરોમાં રહેતા લોકો માટે ખતરો વધી જાય છે.
હવામાન વિભાગના 2026ના પુર્વાનુમાન મુજબ દેશના જ મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ ન્યુનતમ તાપમાન યથાવત રહી શકે છે એટલે કે આવનારા સમયમાં રાત્રીએ પણ ગરમ રહેવાની સંભાવના છે.

