Ahmedabad તા. 4
રાજકોટના પૂર્વ મ્યુનિ. કમિશ્નર અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના CEO ડી.પી. દેસાઈએ અચાનક રાજીનામું આપતા વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી ઓક્ટોબર મહિનામાં વયનિવૃત્ત થવાના હતા તે પૂર્વે જ તેમણે કૌટુંબિક જવાબદારીઓનું કારણ આપીને સ્વેચ્છિક નિવૃત્તિ લેતા અનેક પ્રકારની અટકળો તેજ બની છે.
ઔડા જેવી મહત્વની સંસ્થામાં ટોચના પદ પરથી તેમની આકસ્મિક વિદાયને પગલે સત્તાના ગલિયારાઓમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.ખાસ કરીને વર્ષ 2030માં યોજાનારી સંભવિત કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટા પાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી ઔડાના શિરે છે, જેના કારણે આ પદ વહીવટી દ્રષ્ટિએ ખૂબ જ પ્રતિષ્ઠિત અને મહત્વનું બની ગયું છે.
આ સંજોગોમાં ખાલી પડેલી આ જગ્યા પર નિમણૂક મેળવવા માટે દાવેદાર અધિકારીઓ દ્વારા અત્યારથી જ આંતરિક ગડમથલ અને લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં અન્ય મહત્વના પદો પર પણ જગ્યાઓ ખાલી હોવાથી, રાજ્ય સરકાર આ સંવેદનશીલ અને વ્યૂહાત્મક પદ પર કયા અધિકારીની પસંદગી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

