New Delhi, તા.23
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ ભાજપની કથિત ‘ઓપરેશન લોટસ’ની વ્યૂહનીતિ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ રણનીતિને ‘ઓપરેશન કીચડ’ ગણાવતા કહ્યું કે, દેશમાં જ્યાં પણ કમળ ખીલી શકતું નથી, ત્યાં ભાજપ કીચડ ફેલાવવાનું કામ કરી રહી છે.
પવન ખેડાએ ભાજપ પર પ્રહારો કરતાં સવાલ કર્યો કે, ‘ચૂંટણીમાં ‘400 પાર’નો નારો આપવા છતાં તેઓ 240 બેઠકો પર અટકી ગયા છે અને આ જ કારણે તેમનો અહંકાર તૂટ્યો છે. શું હવે ભાજપ સાંસદો અને ધારાસભ્યોની ખરીદી કરી રહ્યું છે?
સરકારોનું કામ નેતાઓનું ખરીદ-વેચાણ કરવાનું નથી. ભાજપને આખરે કોના પર ભરોસો નથી કે તેમણે આવું કરવું પડી રહ્યું છે?’કોંગ્રેસ નેતાએ દાવો કર્યો છે કે, અત્યારે ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિત આખા દેશમાં નેતાઓનું ખરીદ-વેચાણ ચાલી રહ્યું છે. વિપક્ષી પક્ષોના નેતાઓને તોડીને પોતાની તરફ લાવવા માટે સત્તાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના રાજકારણમાં ‘ઓપરેશન લોટસ’ શબ્દ અવારનવાર ત્યારે ચર્ચામાં આવે છે જ્યારે વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ અથવા અન્ય વિપક્ષી પક્ષોના ધારાસભ્યો અને સાંસદો પોતાના પક્ષમાંથી રાજીનામું આપીને કે બગાવત કરીને ભાજપમાં જોડાઈ જાય છે. આ આખી પ્રક્રિયા અને ઘટનાક્રમને વિપક્ષી પક્ષો ભાજપનું ‘ઓપરેશન લોટસ’ ગણાવીને હંમેશા નિશાન સાધતા આવ્યા છે.

