New Delhi, તા.25
દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની અટકળો હતી પરંતુ હવે ચૂંટણીના પરિણામો આવી ગયા પછી પણ સરકારે વધુ એક વખત બાહેંધરી આપી છે કે, પેટ્રોલીયમ ચીજોમાં ભાવવધારાનો કોઇ પ્રસ્તાવ નથી. મધ્ય પૂર્વના સંકટ વચ્ચે પણ સપ્લાય જાળવી રાખવામાં આવી રહી છે અને દેશમાં પર્યાપ્ત સ્ટોક છે.
પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ એક આંતર-મંત્રીસ્તરીય બ્રીફિંગ દરમિયાન દેશવાસીઓને ખાતરી આપી હતી કે મધ્ય પૂર્વની સ્થિતિ ગમે તે હોય, દેશમાં ઘરેલુ LPG અને ઈંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર અને અવિરત રહેશે.
અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે રિટેલ આઉટલેટ્સ પર LPG ની કોઈ અછત નથી અને પુરવઠો સામાન્ય છે. એક રસપ્રદ બાબત એ સામે આવી છે કે, રાંધણ ગેસ માટેના ઓનલાઈન બુકિંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.
રવિવારના ડેટા મુજબ, LPG માટે ઓનલાઈન બુકિંગ 99 ટકા સુધી વધી ગયું છે, જે અત્યાર સુધીનું સર્વકાલીન ઉચ્ચ સ્તર છે. લોકો હવે ડિજિટલ માધ્યમથી ગેસ બુક કરાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જે પારદર્શિતા અને સરળતા દર્શાવે છે.
ઈંધણના ભાવ અંગે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ હાલમાં જે સ્તરે છે ત્યાં જ સ્થિર રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ, LPG અને કુદરતી ગેસના ભાવમાં તીવ્ર વધારો થયો હોવા છતાં, સરકારે સ્થાનિક બજારમાં કિંમતો વધવા દીધી નથી.
દેશમાં કાચા તેલનો ભંડાર પર્યાપ્ત માત્રામાં છે અને તમામ રિફાઇનરીઓ તેમની મહત્તમ ક્ષમતા પર કામ કરી રહી છે જેથી પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે. ભવિષ્યના જોખમો અને મધ્ય પૂર્વના તણાવને ધ્યાનમાં રાખીને, ભારત પોતાની ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.ભારત લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સ્ટોર કરવા માટે નવી સ્ટોરેજ ટેન્કો બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

