ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નહેર કાંઠે એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી
Kapadvanj, તા.૯
કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આતરોલી વિસ્તારમાં આવતી નર્મદા કેનાલના પુલ પરથી એક પરિણીતાએ પોતાની બે માસૂમ પુત્રીઓ સાથે અગમ્ય કારણોસર કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. આ ઘટનામાં પરિણીતા અને બંને પુત્રીઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે તેમને બચાવવા માટે નહેરમાં કૂદેલા પતિની પણ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. બનાવની વિગતો મુજબ, બાવાના મુવાડા ગામના વતની એવા આ પરિવારમાં કોઈ કારણોસર વિખવાદ કે અન્ય અગમ્ય કારણોસર પરિણીતા તેની બે પુત્રીઓને લઈને ફતિયાવાદના પુલ પર પહોંચી હતી. પરિણીતાએ પહેલા પોતાની બંને પુત્રીઓને નહેરમાં ફેંકી હતી અને ત્યારબાદ પોતે પણ મોતની છલાંગ લગાવી હતી. આ સમયે પરિણીતાનો પતિ પણ સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ તે પત્નીને રોકે તે પહેલા જ પત્ની પાણીમાં કૂદી પડી હતી. પત્ની અને બાળકોને ડૂબતા જોઈ પતિએ પણ તેમને બચાવવા માટે નહેરના વેગીલા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. જોકે, નહેરનું પાણી ઊંડું હોવાથી જોતજોતામાં ચારેય વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં નહેર કાંઠે એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તાત્કાલિક ધોરણે કપડવંજ ફાયર બ્રિગેડ અને આતરસુંબા પોલીસની ટીમને જાણ કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગની મદદથી ભારે જહેમત બાદ મહિલા અને તેની બંને પુત્રીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે મહિલાના પતિની શોધખોળ હજુ પણ તેજ ગતિએ ચાલુ છે. આતરસુંબા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પરિવારે આ અંતિમ ડગલું કેમ ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.
