Mumbai , તા.24
નૈઋત્ય ચોમાસાએ મુંબઈમાં પ્રવેશ કરતાની સાથે જ અસલ રંગ દેખાડયો હોય તેમ આખી રાત વરસાદ પડયો હતો અને 10 ઈંચ પાણી વરસી ગયુ હતું. મહાનગરના અનેક ભાગો જળબંબાકાર થયા હતા.
સવારમાં જ મુંબઈગરાઓને અનેકવિધ હાલાકીનો સામનો કરવો પડયો હતો. જોકે ચોમાસાનાં આવાગમનથી લોકો ખુશખુશાલ હતા. મુંબઈ હવામાન ખાતાના રિપોર્ટ મુજબ આખી રાત વરસેલા વરસાદથી કોલાબા ક્ષેત્રમાં 10 ઈંચ તથા શાંતાક્રૂઝ ક્ષેત્રમાં 9 ઈંચ પાણી વરસ્યુ હતું.ચોમાસાના સતાવાર પ્રવેશ પછીનો પ્રથમ વરસાદ જ ધમાકેદાર રહ્યો હતો.
મહાનગરમાં રાતભર ધમાકેદાર વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.અંધેરી સબ-વે સંપૂર્ણ રીતે પાણીમાં ડુબી ગયો હતો. અને તંત્ર દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો હતો.
મહાનગરના અનેક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા સાથે જળબંબાકારની હાલત સર્જાઈ હતી. વાહન વ્યવહાર પણ પ્રભાવીત બન્યો હતો. મધરાત્રે પાંચ કલાકમાં જ જુદા જુદા વિસ્તારોમાં ચાર ઈંચ સુધીનો વરસાદ થયો હતો.
મુંબઈમાં હજુ કાળા ડીબાંગ વાદળો છવાયેલા હોવાથી હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદ થતાની આગાહી કરવામાં આવી છે.ખાસ કરીને ટ્રાફીક જામની સ્થિતિથી બચવા લોકોને એલર્ટ કરાયા છે. મુંબઈ ઉપરાંત થાણે, રાયગઢ, પાલઘર તથા સિંધુદુર્ગ પર પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. જયાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ચોમાસાનો પ્રવેશ 13 દિવસ મોડો થયો છે. સામાન્ય રીતે 10 જુને ચોમાસુ આગળ વધતુ અટકી ગયુ હતું તે પછી 22 જુને સક્રિય થયુ હતું. જોકે, ત્યારબાદ રફતાર પકડી હોય તેમ એક જ દિવસમાં મુંબઈમાં પ્રવેશ મેળવી લીધો હતો.
હવામાન વિભાગનાં કહેવા પ્રમાણે ચોમાસું હવે મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, સમગ્ર મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડીશા, છતીસગઢ, ઝારખંડમાં પહોંચી ગયુ છે. બિહારના કેટલાંક ભાગો પણ કવર થઈ ગયા છે.

