Surat ,તા.૯
વિદેશ જવાની ઘેલછા ક્યારેક કેટલી ભારે પડી શકે છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતી એક મહિલાએ વરાછાના યુવકને ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ૮ લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. જ્યારે ઠગાઈનો ભાંડો ફૂટ્યો અને યુવકે પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આ મહિલા એજન્ટે ફિનાઈલ પી લેવાનો હાઈવોલ્ટેજ ડ્રામા રચ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં રહેતો એક યુવક વિદેશ જવાની ઈચ્છા ધરાવતો હતો. તે રિંગ રોડ પર જે.કે. ટાવરમાં આવેલી ‘પદ્માવતી ઇન્ટરનેશનલ’ નામની વિઝા ઓફિસના સંપર્કમાં આવ્યો હતો. અહીંની મહિલા સંચાલિકાએ તેને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાની ૧૦૦ ટકા ખાતરી આપી હતી. વિઝાની આ લાંબી પ્રક્રિયાના નામે મહિલાએ યુવક પાસેથી ટુકડે-ટુકડે કુલ ૮ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા.
મહિલા એજન્ટે યુવકને વિઝા અને ફ્લાઈટની ટિકિટ પકડાવીને મુંબઈ એરપોર્ટ રવાના કર્યો હતો. જોકે, યુવકના વિદેશ જવાના અરમાન ત્યારે ધૂળમાં મળી ગયા જ્યારે મુંબઈ એરપોર્ટના અધિકારીઓએ તેના વિઝાની ચકાસણી કરી. તપાસમાં બહાર આવ્યું કે મહિલાએ આપેલા વિઝા તદ્દન બોગસ અને નકલી હતા. નિરાશ થઈને પરત ફરેલા યુવકે સીધા જ ‘પદ્માવતી ઇન્ટરનેશનલ’ ની ઓફિસે પહોંચીને મહિલા પાસે પોતાના ૮ લાખ રૂપિયા પરત માંગ્યા હતા.
યુવકે નાણાં પરત માંગતા મામલો ગરમાયો હતો. પોતાનું કૌભાંડ પકડાઈ ગયું છે અને હવે પોલીસ કાર્યવાહી થશે તેવા ડરથી મહિલા એજન્ટે ઓફિસમાં જ ફિનાઈલ પી લેવાનું નાટક કર્યું હતું. યુવકને ડરાવવા અને સમગ્ર મામલાને બીજું સ્વરૂપ આપી દેવા માટે આ ડ્રામા કરવામાં આવ્યો હતો. હાલમાં આ ઘટના અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધીને વિઝા કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ એજન્સી દ્વારા અન્ય કેટલા યુવાનો છેતરાયા છે તે પણ તપાસના અંતે જ બહાર આવશે.

