Morbi તા.૧૧ઃ
વાંકાનેર તાલુકાના જોધપર ગામના ઝાપા પાસે એક યુવક પર હુમલો કરી, તેને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચકતા આરોપીએ યુવક સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, જોધપર ગામે રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવતા વિજયભાઈ લખુભાઈ સોલંકી નામના યુવક પાસે આરોપી અર્શદભાઈ આરીફભાઈ ઉર્ફે હકાભાઈ ભટ્ટીએ હજામતના પૈસાની માંગણી કરી હતી. વિજયભાઈએ આ પૈસા આપી દેવાની ખાતરી આપી હોવા છતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. ઉશ્કેરાયેલા આરોપીએ વિજયભાઈ સાથે ઝપાઝપી કરી ગળા તથા શરીરના ભાગે ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાહેરમાં જ્ઞાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે એટ્રોસીટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

