Beijing,તા,14
ઈરાન સાથેના યુદ્ધના તનાવ વચ્ચે આજે ચીનની મુલાકાતે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રવડા શી જીનપીંગ વચ્ચેની દ્વીપક્ષી બેઠકમાં સાવચેતી સાથે સંવાદ અને દોસ્તીના સુર સાંભળવા મળ્યા હતા.
ઈરાન યુદ્ધના કારણે ગલ્ફ ક્ષેત્રમાં ચીનના હિતોને પણ ભારે નુકશાન થયું છે તે વચ્ચે આ યાત્રા પુર્વે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની સમજુતીમાં ચીનની કોઈ ભૂમિકા નહી હોય તે સ્પષ્ટ કર્યુ હતું તો ચીને પણ તાઈવાન મુદાથી દુર જ રહેવા અમેરિકાને સંદેશ મોકલી આપ્યો હતો.
ભારેખમ વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે બીજીંગ પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મુખ્ય હેતુ ચીન સાથેની વ્યાપાર ખાધને ઘટાડવા તથા અમેરિકી કંપનીઓને ચીનમાં વધુ વ્યાપાર તક મળે તે જોવાનો હોવાનું સ્પષ્ટ થયું છે.
ટ્રમ્પની સાથે ટેસ્લાના એલન મસ્ક, એપલના ટીમ કુક, બોઈંગ તથા એનવિડીયા સીઈઓ સહિતના અમેરિકાની ટોચની અનેક કંપનીઓના ઉચ્ચ અધિકારી સામેલ થયા છે. પ્રમુખ ટ્રમ્પની ત્રણ દિવસની આ યાત્રામાં બન્ને દેશો વચ્ચે 9 લાખ કરોડ ડોલરના વિમાનથી લઈ ટેકનોલોજી ક્ષેત્રમાં કરારની સંભાવના છે.
આજે સવારે બન્ને રાષ્ટ્રવડાઓએ બીજીંગને ધ ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે દ્વીપક્ષી મંત્રણા શરૂ કરી છે. અહી આવી પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગે સ્વાગત કર્યુ હતું તથા ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. બન્ને દેશોના રાષ્ટ્રવડાઓ વચ્ચેની આ બેઠક પર દુનિયાની નજર છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રવડા સાથે હાથ મિલાવતા કહ્યું કે આપના દોસ્ત હોવું એ સન્માનની બાબત છે.
અમેરિકા અને ચીનના સંબંધો અગાઉ કરતા વધુ સારા થશે. ટ્રમ્પે તેઓની સાથે દુનિયાના સૌથી ટોચના વ્યાપારીઓને ચીન આવ્યા હોવાનું જણાવી આ યાત્રા પુરી રીતે વ્યાપારીક સંબંધો માટે જ હોવાનું જણાવ્યું હતું.
ચીનના રાષ્ટ્રવડા શી જીનપીંગે કહ્યું કે અમેરિકા-ચીનના સંબંધો વિશ્વની સ્થિરતા માટે ખૂબજ મહત્વના છે અને બન્ને દેશો હરીફ નહી પણ સાથીદાર બનીને રહે તે જરૂરી છે. આ અગાઉ પ્રમુખ ટ્રમ્પ તેના પ્રથમ કાર્યકાળમાં પુર્વ નવ વર્ષ પહેલા ચીનની મુલાકાતે આવ્યા હતા તે બાદ અપાવ્યું હતું અને આ સમયગાળામાં અનેક પરિવર્તન થઈ ગયા છે તે પણ જણાવ્યું હતું. જીનપીંગે એ પણ કહ્યું કે બહુ ઓછા અમેરિકી રાષ્ટ્રવડાને હું બીજી વખત મળ્યો છે. તમો તેમાં સામેલ છો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા ચીનના રાષ્ટ્રવડા શી જીનપીંગ એરપોર્ટ પર ગયા ન હતા. બિજીંગના મિલીટ્રી એરપોર્ટ પર પ્રમુખ ટ્રમ્પનું સ્વાગત ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન જેંગ તથા ચીનના ડિપ્લોમેટ શી ફેગ પહોંચ્યા હતા તથા એરપોર્ટ પર સ્કુલના બાળકોએ પ્રમુખ ટ્રમ્પનું ફુગ્ગા ઉડાડી ચીન-અમેરિકાના ઝંડા લહેરાવી સ્વાગત કર્યુ હતું.

