New Delhi,તા,14
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેની ત્રીજી ટર્મના મધ્યમાં પહોંચી રહી છે અને હવે 2029ની લોકસભા ચુંટણી જે અનેક રીતે અલગ હશે તે માટે પણ ભાજપ-એનડીએએ તૈયારી શરૂ કરી છે. 2024માં અબ કી બાર- 400 કે પાર ના વિશ્વાસે ભાજપને પોતાની પણ બહુમતીથી દુર 240 બેઠકો પર અટકી જવું પડયુ હતું પણ તે બાદ બે વર્ષમાં યોજાયેલી ધારાસભા ચુંટણીઓમાં ભાજપે જે ગોલ રાખ્યા હતા ત્યાં એક ઝારખંડને બાદ કરતા લગભગ તમામ રાજયોમાં ભાજપને સફળતા મળી છે.
દક્ષિણના રાજયોમાં પણ ભાજપ ફર્ક પાડવામાં સફળ રહ્યા છે તો મહારાષ્ટ્ર-બિહારમાં તેના મુખ્યમંત્રી સ્થાપીત કરી શકયા છે અને સૌથી મહત્વનું પ.બંગાળમાં તેણે આઝાદી પછી અને તે પણ પ્રચંડ બહુમતી સાથે સતા મેળવી છે.
રસપ્રદ રીતે ભાજપે એક પણ રાજય ગુમાવ્યુ નથી હવે આગામી વર્ષે ભાજપ માટે પંજાબ સિવાય સરળ રાજયોમાં ચુંટણી યોજાઈ રહી છે અને ભાજપ તેના રાજયો જાળવી રાખવા ઉપરાંત વધુ મજબૂત બની શકે છે.
આ રાજયમાં ગોવા, ઉતરાખંડ, મણીપુર, ઉતરપ્રદેશ અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. હિમાચલમાં કોંગ્રેસ અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ભાજપ હવે આ બન્ને રાજયો પર પ.બંગાળ સ્ટાઈલથી આંચકી લેવા પ્રયાસ કરશે અને આગામી વર્ષ જુલાઈ માસમાં દેશના નવા રાષ્ટ્રપતિની ચુંટણી છે. જેમાં પણ ભાજપ તેના જ ઉમેદવારને સતત ત્રીજી વખત વિજેતા બનાવી શકે તેવી મજબૂત સ્થિતિમાં છે.
આ તમામ આગામી સમયની રાજકીય ગતિવિધિ વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારનું વિસ્તરણ- ફેરબદલ ક્રશે કે કેમ તે ચર્ચા શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનની નજર તમામ મંત્રાલયો અને તેના મંત્રીઓના કામકાજનો રિપોર્ટ કાર્ડ મેળવવાનું શરૂ કર્યુ છે.
આગામી માસમાં ત્રીજી ટર્મમાં સરકાર બે વર્ષ પુરા કરવા જઈ રહી છે તો બીજી તરફ ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ નીતીન નબીનના કાર્યકાળનો પ્રારંભ ખૂબ જ સારો રહ્યો છે. સૌથી મહત્વની પ.બંગાળ ચુંટણી જીતી છે. ગુજરાતમાં અપેક્ષા મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીમાં ભવ્ય વિજય મળ્યો છે. હવે ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થશે અને નીતીન નબીનની નવી ટીમ પણ આગામી 2029 તથા વચ્ચેના સમયમાં યોજાનારી ધારાસભા સહિતની ચુંટણીઓને ધ્યાનમાં લઈને કરાશે.
વડાપ્રધાને ગત ટર્મમાં પણ બે વર્ષના કાર્યકાળ બાદ મંત્રીમંડળ વિસ્તરણ કર્યુ હતું. ભાજપ તેના મંત્રીઓ તથા સાંસદોના રિપોર્ટ કાર્ડ મેળવવાનું શરૂ કર્યુ છે. ખાસ કરીને તેઓ મારફત કેન્દ્રીય યોજનાઓના અમલમાં સક્રીયતા- પક્ષના સંગઠન સાથે તાલમેલ તથા તેઓની પબ્લીક ઈમેજ આ તમામ ચકાસાઈ રહ્યું છે.
જે રીતે હાલમાં લોકસભામાં નવા સિમાંકન મુદે સરકારને પીછેહઠ સહન કરવી પડી તે ગાંઠ મોદીએ મનમાં વાળી લીધી છે અને 2029માં 400 બેઠકોને પાર પાડવા ખાસ આયોજન કરશે. પક્ષના અનેક અનુભવી નેતાઓને સંગઠનમાં મોકલી બીજી કોર્ટને તૈયાર કરવા જણાવાશે. પ.બંગાળમાં જીતનો પડઘો લોકસભા ચુંટણીમાં પડે તે નિશ્ચિત કરાશે.

