New Delhi તા.14
કોઈપણ મહિલા દ્વારા પોતાની કેરિયર આગળ વધારવા તથા પોતાના સંતાન માટે સુરક્ષિત અને સ્થિર વાતાવરણ ઉભુ કરવા માટે લેવાતા નિર્ણયને ક્રુરતા ન માની શકાય તેવો મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમકોર્ટે આપ્યો છે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથ તથા ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બેન્ચે ચુકાદામાં જણાવ્યું કે ડેન્ટીસ્ટ તરીકે કાર્યરત મહિલાના વ્યવસાયને ક્રુરતા તરીકે પેશ કરવું તે પરિવારની અત્યંત રૂઢીવાદી દ્રષ્ટિકોણ સુચવે છે. નીચલી અદાલત અને હાઈકોર્ટના તારણોને ફગાવી દઈને સુપ્રીમકોર્ટે કહ્યું કે પત્નીની વ્યવસાયિક ઓળખ પર અપ્રત્યક્ષ વૈવાહિક વીટો લાગુ ન થઈ શકે.
ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતા આ કેસમાં સુપ્રીમકોર્ટે પતિ અને પત્ની બંને દ્વારા રજુ કરાયેલી અરજીઓની સુનાવણીમાં જણાવ્યું હતું કે વિવાહ સંપૂર્ણપણે તુટી ગયો હોય અને સમાધાનની સંભાવના ન હોવાના કારણે છુટાછેડા થયા છે. પત્નીની ક્રુરતાની કોઈ વાત ગણી શકાય તેમ નથી. અદાલતે મહિલા વિરુદ્ધ થયેલી ટિપ્પણીઓને પણ રદ કરી હતી.
આ કેસ એક દંપતિનો હતો. મહિલા ડેન્ટીસ્ટ હતી જયારે પતિ સૈન્યમાં લેફ.કર્નલ હતા. વર્ષ 2009માં બંને વચ્ચે લગ્ન થયા હતા. પત્નીએ ખાનગી પ્રેકટીસ છોડી દીધી હતી અને પતિ સાથે કારગીલ રહેવા ગઈ હતી. સગર્ભા વખતે યોગ્ય સારવાર અને બાળકની સારસંભાળ માટે અમદાવાદ આવી ગઈ હતી અને ફરી વખત ડેન્ટીસ્ટ તરીકે કલીનીક શરુ કર્યુ હતું.
દંપતિ વચ્ચે વિવાદ શરુ થયો હતો ત્યારે પતિના પરિવારે ડેન્ટીસ્ટ તરીકેના પત્નિના વ્યવસાયને ક્રુરતા ગણીને છુટાછેડા માંગ્યા હતા. ફેમીલી કોર્ટે ક્રુરતાના આધારે છુટાછેડા મંજુર કર્યા હતા. હાઈકોર્ટે પણ આ ચુકાદાને બહાલી આપી હતી. પરંતુ સુપ્રીમકોર્ટે ક્રુરતાની ટીપ્પણી ફગાવી દીધી હતી.

