New Delhi, તા.14
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધમાં સીઝફાયર વચ્ચે પણ સમાધાનની વાટાઘાટોમાં કોઇ ખાસ પ્રગતિ નથી એટલે ભારત સહિત સમગ્ર દુનિયા પર મંડરાયેલું તેલ-ગેસ સંકટ હળવું થવાના એંધાણ નથી, જ્યારે ભારતે માસ્ટર સ્ટ્રોક લગાવ્યો હોય તેમ ભારત આવતા તમામ 15 એલપીજી ટેન્કરોએ હોર્મુઝ સમુદ્રધૂની પાર કરી લીધી છે. ભારતને સંભવિત સંકટ સામે મોટી રાહત મળવાના સંકેત છે.
સૂત્રોએ જાહેર કર્યું છે કે હવે ભારત તરફના એલપીજી ભરેલા તમામ 15 એલપીજી ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટની બહાર નીકળી ગયા છે. પરસીયન ગલ્ફ પાર કરી લીધું હતું. એલએનજી સાથેના બાકીના બે ટેન્કરોએ પણ હોર્મુઝ સ્ટ્રેટને પાર કરી લીધુંછે. ભારત સરકારે વિવિધ એજન્સીઓના સંક્લન તથા નૌકાદળની સુરક્ષા હેઠળ આ ઓપરેશન શક્ય બન્યું છે.
પશ્ચિમ એશિયામાં યુધ્ધ અને તનાવભર્યા માહોલ વચ્ચે ભારતીય નૌકાદળના સુરક્ષા કવચ હેઠળ જ ગેસ ભરેલા ટેન્કરોને હોર્મુઝમાંથી સુરક્ષિત બહાર કાઢવાનું શક્ય બન્યું હતું. તમામ જહાજોને નેવી દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા. ટેન્કર પર હુમલા કે અન્ય કોઇ ગંભીર સ્થિતિ ન સર્જાય તેની કાળજી લેવામાં આવી હતી.
સૂત્રોએ કહ્યું કે છેલ્લે એમ.વી. સનશાઇન નામના એલપીજી જહાજને નેવીએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી બહાર કાઢી લીધું છે અને ભારતીય નેવીની સુરક્ષા હેઠળ જ ભારતના માર્ગે આગળ ધપી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હતો અને તેની પરવાનગી વિના જહાજોને પસાર કરવા પર ધમકી આપવામાં આવી હતી તે પછી અમેરિકાએ પણ સમગ્ર હોર્મુઝ ફરતે નાકાબંધી કરવામાં આવી છે. હોર્મુઝમાં વખતોવખત છમકલા પણ ચાલુ જ રહ્યા છે.

