Bhavnagar તા.14
ભાવનગર એલ.સી.બી., પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં પ્રોહી-જુગાર અંગે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સીદસર ગામે આવતા બાતમીદારે હકીકત આપી હતી કે, ‘ભૂમિ ટ્રાવેલ્સ’ની બસ નંબર AR-11-F-4545 માં પાછળની ડીકીમાં વિદેશી દારૂના પાર્સલ ભરેલા છે અને આ બસ નારી ચોકડી થી તળાજા તરફ જાય છે.
જે હકીકતના આધારે નારી ચોકડીથી સીદસર ગામ તરફ જવાના રસ્તે સીદસર ચોકડીએ જાહેર રોડ પર ઉભી રહી બાતમીવાળી બસની વોચમાં પોલીસ ઉભી હતી. આ નંબરવાળી બસ આવતા ટોર્ચ લાઈટનો ઉપયોગ કરી બસને ઉભી રાખવા ઈશારો કરતા ડ્રાઈવરે બસ ઉભી રાખી હતી. બસની પાછળની ડિક્કી ખોલાવી તપાસ કરતા તેમાંથી કુલ 08 બોક્સ મળી આવ્યા હતા, જેના ઉપર સફેદ પ્લાસ્ટિક વીંટાળી પાર્સલ જેવો આકાર આપેલો હતો. આ પાર્સલ નીચે ઉતારી ખોલી જોતા તેમાંથી વિદેશી દારૂની કંપની શીલપેક બોટલો મળી આવી હતી.
પોલીસે કુલ 249 બોટલ સહિત કુલ 432 બોટલ, જેની કિંમત રૂ. 63,720/- નો મુદ્દા માલ કબજે કરેલ છે. પોલીસે બસના ડ્રાઈવર જયરાજ ઘોડાભાઈ બસીયા (ઉં.વ. 42, રહે. રાજુલા), બીજા ડ્રાઈવર ઈમરાન વજીરભાઈ પઠાણ (ઉં.વ. 40, રહે. મહુવા) તેમજ ક્લીનર દીલુભાઈ વલકુભાઈ ભુકણ (ઉં.વ. 27, રહે. મહુવા) ની પૂછપરછ હાથ ધરી હતી.
પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો મુંબઈના કાશ્મીરા ખાતેથી એક ઈનોવા કાર (નંબર GJ-05-JK-6414) નો ચાલક આપી ગયો હતો, જે જાફરાબાદના ટીંબી ગામે કોઈ શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
