Jamnagar તા.15
કાલાવડ જામનગર રોડ પર વધુ એક વખત ગંભીર અકસ્માતની ઘટના પોલીસ મથકે નોંધાય છે. મોટી માટલી ગામ નજીક આવેલ રાધે હોટલની પાસે ગોળાઈ પર પટકાઈ પડેલા બાઈક સવાર મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ મામલે મૃતકના પતિએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતાં પોલીસે દોડી જેવી મોતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલી વિગત એવી છે કે કાલાવડ તાલુકાના મોટી માટલી ગામે રહેતા યુનુસભાઇ ઇસુફભાઈ જોખિયા અને નૂરજહાં યુસુફભાઈ જોખિયા બંને તા.1 મે ના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં બાઇક લઈને જઈ રહ્યા હતાં આ વેળાએ મોટી માટલી ગામ પાસે આવેલ રાધે હોટલ નજીક ગોળાઈ પર એકાએક વળાંક આવતા નૂરજહાબેન બાઈક પરથી રોડ પર અચાનક નીચે પડી ગયા હતા.
આ ગંભીર અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા અને નૂરજહાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. લાંબી સારવાર કારગત ન નીવડતા તેણીનું મોત નિપજ્યું હતું. આ મામલે યુનુસભાઈ જોખિયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા પોલીસે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

