Jamnagar તા.15
જીઆઈડીસી ઉદ્યોગનર ફેઝ-ર અને 3માં આડેધડ રીતે અયોગ્ય માપ-સાઈઝના સ્પીડબ્રેકરો ખડકાઈ જતાં મોટરોના તળીયા સ્પીડબ્રેકરોમાં ઘસાઈ જતાં હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.
સામાન્ય રીતે મહાનગરપાલિકાના વિસ્તારમાં સ્પીડબ્રેકર બનાવવા માટે એક પધ્ધત્તિ અમલમાં છે. જેમાં સીવીલ વિભાગને અરજી મળ્યા બાદ ઈજનેર દ્વારા રસ્તામાં ટેકનિકલ નિરિક્ષણ કરીને સ્પીડબ્રેકર બનાવવા અંગે અભિપ્રાય આપવામાં આવે છે. જે બાદ ટ્રાફીક પોલીસ વિભાગનો અભિપ્રાય મેળવાય છે. બંને વિભાગોની મંજુરી મળ્યે કામ મંજુર કરવામાં આવે છે.
જે પછી કોન્ટ્રાક્ટર સરકારે નિયત કરેલી સાઈઝનું સ્પીડબ્રેકર બનાવવાનું કામ કરે અને તેનું કામનું બીલ મંજુર થાય. આ પધ્ધત્તિની ઐસી-કી-તૈસીની માફક જીઆઈડીસી-રઅને 3 તેમજ અન્ય સ્થળોએ આડેધડ વિચિત્ર સાઈઝના સ્પીડબ્રેકરો બની ગયા હોવાથી મોટરોના તળીયા નીચેથી સ્પીડબ્રેકર સાથે ઘસાઈ જતા હોવાથી નુકશાની થાય છે. અયોગ્ય સાઈઝના સ્પીડબ્રેકરો વાહન અકસ્માત નોતરે તેવી સ્થિતિ થઈ છે. આ સ્થિતિ નિવારવા નાગરિક હિરેનભાઈ ગુઢકાએ ઈ-મેલ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

