Jamnagar તા.15
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં એક આઈસ ફેકટરમાંથી વિજતંત્રે પકડી પાડેલી રૂા. 57.49 લાખની વીજચોરી અંગેનો કેસ ચાલી જતા અદાલતે ત્રણ ગણો એટલે કે રૂા. 1.72 કરોડનો દંડ અને 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવવામાં આવે તો એક વર્ષની સજાનો પણ હુકમ કર્યો છે.
શહેરમાં ગત 28 નવે. 2023ના રોજ વીજ ચેકીંગ અધિકારી એસ.આર. વડનગરા અને તેના સ્ટાફ દ્વારા પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળ આવતા બેડેશ્વરમાં અલરઝા આઈસ ફેકટરીમાં હમીદ હુશેનભાઈ ગજણની હાજરીમાંવીજ કનેકશન ચેક કરતા તેઓ દ્વારા ડાયરેક્ટ બીન અધિકૃત રીતે પાવર ચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું.
જેથી વીજ ચેકીંગ અધિકારી દ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-4 તૈયાર કરવામાં આવ્યા હતાં. જે બાદ નાયબ ઇજનેર સંદીપ ધીરજલાલ પરમારએ જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં આરોપી હમીદ હુશેનભાઈ ગજણ વિરૂદ્ધ રૂા. 57,49,693.25ની વીજ ચોરી અંગે ઇન્ડીયર ઈલેકટ્રીસીટી એકટની કલમ હેઠળ ફરીયાદ નોંધાવી હતી.
આ કેસ સ્પે. કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર દ્વારા આઠ સાક્ષી અને વીશ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતાં અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયરે એવી દલીલ કરી હતી કે, આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે.
હાલ ગુજરાતમાં પાવર ચોરીના કેસ વધતા જાય છે. જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ. આ દલીલો ધ્યાને લઈ સ્પે.જ્જ વી.પી. અગ્રવાલ દ્વારા આરોપી હમીદ ગજણને રૂા. 1,72,49,079નો એટલે કે પાવર ચોરીની રકમ કરતા ત્રણ દંડ ફટકાર્યો છે.જો આરોપી દ્વારા 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવવામાં આવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે.

