Jamnagar તા.15
જામનગર મહાનગરપાલિકા દ્વારા એક તરફ ડિજિટલાઇઝેશનની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેની સત્તાવાર વેબસાઇટ પર અત્યંત પાયાની વિગતો પણ અપડેટ કરવામાં આવતી નથી. આ ગંભીર બેદરકારી સામે જામનગરના સામાજિક કાર્યકર સચિન નરેન્દ્ર જોશીએ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર તેમજ ધારાસભ્ય અને સાંસદ સભ્યને લેખિત રજૂઆત કરી તંત્રની પોલ ઉઘાડી પાડી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ પર જન્મ-મરણના દાખલા માટેની ફી અને ફોર્મની કિંમત વર્ષો જૂની દર્શાવવામાં આવી છે. પોર્ટલ પર ફોર્મની કિંમત ₹ 1 દર્શાવેલ છે, જ્યારે પ્રત્યક્ષ રીતે ₹ 5 લેવામાં આવે છે. તેવી જ રીતે દાખલા દીઠ ફી ₹ 5 ને બદલે ₹ 50 અને નોંધ શોધાઈ ફી ₹ 2 ના બદલે ₹ 20 વસૂલવામાં આવી રહી છે.
સચિન જોશીએ જણાવ્યું હતું કે, “અમને સરકાર દ્વારા કરવામાં આવેલા ફી વધારા સામે વાંધો નથી, પરંતુ ડિજિટલ યુગમાં નવી પેઢી જ્યારે ઓનલાઈન માહિતી ચેક કરીને કચેરીએ જાય છે, ત્યારે ત્યાં 10 ગણો ભાવ વધારો જોઈને મૂંઝવણ અને દલીલોની સ્થિતિ ઊભી થાય છે. ઓનલાઈન પોર્ટલ પર ખોટી માહિતી હોવી એ પારદર્શિતાના અભાવની સાથે નાગરિકોને ગેરમાર્ગે દોરવા સમાન છે.”
આ બાબતે તંત્ર દ્વારા આઈ.ટી. વિભાગને સૂચના આપી તાત્કાલિક ધોરણે વેબસાઈટ અપડેટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો વહેલી તકે સુધારો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

