Jamnagar તા.15
કલ્યાણપુરથી આશરે 11 કિલોમીટર દૂર ખાખરડા અને પટેલકા ગામના રોડ પર એક મંદિર નજીક રહેલા પીજીવીસીએલના થાંભલાની ડેડ લાઈન પર રહેલો રૂ. 41,000 ની કિંમતનો એલ્યુમિનિયમનો વાયર કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.
આ અંગે પોરબંદર તાલુકાના બોખીરાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુરમાં પીજીવીસીએલ વિભાગમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ બચુભાઈ ગોહેલની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સામોરના વૃદ્ધ પર ધોકા વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા કરસનભાઈ નગાભાઈ ગોજીયા નામના 72 વર્ષના વૃદ્ધ સાથે બોલાચાલી કરી, લાકડાના પાવડાના હાથા વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આ જ વિસ્તારમાં રહેતા મયુર સાજણભાઈ ચાવડા, ભીમશી સાજણભાઈ ચાવડા અને દેવશી માંડણભાઈ ચાવડા સામે નોંધાવવામાં આવી છે.
ફરિયાદી કરસનભાઈ ગોજીયાની વાડી પાસે આરોપી મયુર ચાવડાના મજૂરો ખુલ્લામાં બાથરૂમ કરતા હોય, જે માટે તેમણે ના પાડતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે અહીંની પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
સલાયા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા ચાર શખ્સો ઝબ્બે
સલાયા નજીક આવેલા દખાણાદા બારા ગામના પાદરમાં ગત સાંજે જાહેરમાં ગંજીપાના વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા નારણજી માડમજી જેઠવા ભરતસિંહ રવુભા જાડેજા, અનોપસિંહ બચુભા જાડેજા અને વિક્રમસિંહ જીવુભા જાડેજા નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. 17,080 ની રોકડ રકમ અને ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 37,080 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.

