New Delhi,તા,18
CBSE 12મા ધોરણની મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને ચિંતાઓ વચ્ચે, શાળા શિક્ષણ સચિવે બોર્ડની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમનો બચાવ કરતા કહ્યું કે, તેને પારદર્શિતા અને માનકીકરણ (ચોક્કસ નિયમો કે માપદંડો) સુધારવા માટે શરૂ કરવામાં આવી હતી.
આ સ્પષ્ટતા ત્યારે આવી જ્યારે ઘણા વિદ્યાર્થીઓએ 2026ના બોર્ડ પરિણામોમાં ઓછા માર્ક્સ, ન તપાસાયેલી ઉત્તરવહીઓ અને વિસંગતતાઓનો આક્ષેપ કર્યો, જેનાથી ડિજિટલ મૂલ્યાંકન પ્રક્રિયાની ટીકા શરૂ થઈ ગઈ. શાળા શિક્ષણ સચિવે પ્રેસ વાર્તા યોજી કહ્યું, ‘વિદ્યાર્થીઓની ચિંતાઓ જ અમારું મુખ્ય ધ્યાન છે. 2014માં આ ટેકનોલોજી તૈયાર ન હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. ICAI, IB અને કેમ્બ્રિજ પણ આ જ પ્રકારની સિસ્ટમ અપનાવે છે.’
CBSEએ તે વિદ્યાર્થીઓ માટે મલ્ટી-સ્ટેજ રિવ્યૂ સિસ્ટમની જાહેરાત કરી છે જેઓ પોતાની આન્સર શીટમાં સુધારો કરાવવા માંગે છે. 19 મે થી 22 મે સુધી, વિદ્યાર્થીઓ વેરિફિકેશન અથવા રી-ઇવેલ્યુએશનની વિનંતી કરતા પહેલા, પોતાની તપાસાયેલી આન્સર શીટની સ્કેન કરેલી કોપી માટે અપ્લાય કરી શકે છે.
ફી ઘટાડીને 100 રૂપિયા પ્રતિ કોપી અને 25 રૂપિયા પ્રતિ પ્રશ્ન કરી દેવામાં આવી છે. બોર્ડે કહ્યું કે જો રિવ્યૂ પછી માર્ક્સ વધશે, તો ફી પરત કરી દેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષે આશરે 98.6 લાખ આન્સર શીટ તપાસવામાં આવી, જેમાંથી આશરે 13,000માં ભૂલો જોવા મળી અને બાદમાં તેમને મેન્યુઅલી ફરીથી તપાસવામાં આવી.CBSEએ કહ્યું કે OSM હેઠળ દરેક જવાબને અલગ-અલગ તપાસવામાં આવે છે, અને તપાસ કરનારાઓને પાછલા વર્ષોના પેપર અને માર્કિંગ સ્કીમનો ઉપયોગ કરીને ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ પછી આશરે 77, 000 શિક્ષકોએ તપાસના કામમાં ભાગ લીધો. બોર્ડે સ્વીકાર્યું કે સિસ્ટમ શરૂ કરતી વખતે કેટલીક શરૂઆતની મુશ્કેલીઓ આવી હતી, પરંતુ બાદમાં સિસ્ટમ ઠીક થઈ ગઈ. અધિકારીઓએ એ પણ જણાવ્યું કે તપાસની પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.અધિકારીઓએ કહ્યું, ‘મૂલ્યાંકનમાં કોઈ ફેરફાર થયો નથી; માત્ર માનકીકરણ (standardisation) લાગુ કરવામાં આવ્યું છે’ અને સાથે જ એ પણ જણાવ્યું કે ભવિષ્યની પરીક્ષાઓમાં OSM ચાલુ રહેશે. કોલેજમાં એડમિશન માટે લાખો વિદ્યાર્થીઓ 12મા ધોરણના માર્ક્સ પર નિર્ભર હોવાને કારણે, CBSE દ્વારા મૂલ્યાંકન સંબંધિત ચિંતાઓને જે રીતે હેન્ડલ કરવામાં આવી રહી છે, તેના પર આગળ પણ ઝીણવટભરી નજર રાખવામાં આવે તેવી અપેક્ષા છે.

