જાહેરમા તોડફોડ કરવાની ના પાડતા જેની દાઝ રાખી માર માર્યો તો,
Morbi.તા.18
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં ત્રણ દિવસ પૂર્વે વૃદ્ધ પર લોખંડના પાઇપ વડે થયેલા હુમલામાં જીવણભાઈ નમેરાનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે, પોલીસે અગાઉ નોંધાયેલા ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા તાલુકાના હરબટીયાળી ગામમાં રહેતા બેચરભાઈ જીવણભાઈ નમેરા (ઉ 75) ને ગત ૧૩ મેના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જગદીશ છગનભાઈએ પોતાના હાથમાં રહેલા આડા સાયડાના લોખંડના દાબિયા પાઇપ વડે હુમલો કર્યો હતો, ફરિયાદ મુજબ, જગદીશ અવારનવાર ગામની જાહેર મિલકતો અને જગ્યાઓ પર નુકસાન (તોડફોડ) કરતો હતો. ગામ લોકોએ તેને આવું નુકસાન ન કરવા બાબતે ટકોર કરી હતી, જેનું મનદુઃખ અને ખાર રાખી વૃદ્ધને માથાના ભાગે મારી નાખવાના ઈરાદે આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે બેચરભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ હુમલો થતો જોઈ વૃદ્ધ બેચરભાઈને બચાવવા માટે વચ્ચે પડેલા ગામના અન્ય બે વ્યક્તિઓ સદાભાઈ પાંચાભાઈ ઝાપડા તથા ધનજીભાઈ ભગવાનજીભાઈ સંઘાણીને પણ આરોપી જગદીશે આડેધડ માર મારી શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડી હતી.
ઘટના બાદ ઇજાગ્રસ્ત વૃદ્ધને તત્કાલ ૧૦૮ મારફતે ટંકારાની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બેભાન અવસ્થામાં જ હતા અને અંતે ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. મૃતકના પુત્ર હસમુખભાઈ બેચરભાઈ નમેરાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી જગદીશ છગનભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. વૃદ્ધનું મોત થતાં પોલીસે આ કેસમાં ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

