માંડા ડુંગરમાં ભત્રીજાના પ્રેમની અદાવતમાં કાકા પર અને વાવડીમાં “ સામું કેમ જોવે છે’ કહી યુવકને માર માર્યો
પારવડી ચોકમાં કેટર્સના યુવાન પર, થોરાળામાં કૌટુંબિક ડખામાં પરિણીતા પર પથ્થરમારો
Rajkot,તા.18
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ ૨૪ કલાકમાં અલગ-અલગ વિસ્તારોમાં નજીવી બાબતોમાં અને જૂની અદાવતમાં મહિલા સહિત ૬ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, મચ્છાનગરમાં પેસેન્જર બેસાડવા બાબતે, માંડા ડુંગરમાં પ્રેમ સંબંધની અદાવતમાં અને સામે જોવા જેવી સામાન્ય બાબતોમાં થયેલી મારામારીમાં ઘવાયેલા ૬ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મચ્છાનગર, નરસિંહ નગરના ઢાળીયા પાસે રહેતા રિક્ષા ચાલક હરેશભાઈ મચ્છાભાઈ રાતડીયા (ઉ.વ. ૩૩) સાંજના છ વાગ્યે ગ્રીનલેન્ડ ચોકડી ખોડીયાર મંદિર પાસે હતા, ત્યારે અન્ય રિક્ષા ચાલક વેલનાથ મેવાડા સાથે પેસેન્જર બેસાડવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા વેલનાથે હરેશભાઈને માથા તેમજ શરીરના ભાગે ઢોર માર મારતા તેમને ઈજા થઈ હતી. જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છેસી ઉલેખનીય છે કે ભોગ બનનાર હરેશભાઈને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે.
બીજા બનાવમાં, રાજમોતી મીલ પાછળ, મયુરનગર-૧ માં રહેતા દેવરાજભાઈ ખીમજીભાઇ રબારી (ઉ.વ. ૧૭) પર સાંજના સાત વાગ્યે તેના ઘર પાસે જ સંજય, અજયએ કોઈ કારણોસર કાચની બોટલ વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્રીજા બનાવમાં માંડા ડુંગર, દેવડીનંદન-૪ માં રહેતા અને મૂળ બિહારના વતની સંતોષભાઈ સુરજભાઈ શાહ (ઉ.વ. ૩૫) રાત્રિના નવ વાગ્યે ઘર પાસે હતા, ત્યારે અભિનંદન, મોજીભાઈ અને તેના માણસો ત્યાં ધસી આવ્યા હતા. સંતોષભાઈના ભત્રીજા વિકાસને અન્ય એક છોકરી સાથે પ્રેમ સંબંધ હોય, જે બાબતે આરોપીઓએ ‘તું આવું કેમ કરે છે?’ તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં આરોપીઓએ લોખંડના સળિયા વડે ભત્રીજા વિકાસ અને કાકા સંતોષભાઈ બંને પર હિંસક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ચોથા બનાવમાં, વાવડી ન્યુ જય ભારત સોસાયટી શેરી નં-૨ માં રહેતા અને કંપનીમાં કામ કરતા રાહુલભાઈ ચંદુભાઈ મકવાણા (ઉ.વ. ૪૮) પોતાના ભાઈ અને દીકરા સાથે પાણીપુરી ખાવા ગયા હતા. આ દરમિયાન તેના ભાઈએ ત્યાં ઉભેલા અન્ય વ્યક્તિ સામે જોતા, અજાણ્યા શખ્સો ઉશ્કેરાયા હતા અને ‘અમારી સામું કેમ જોવે છે?’ તેમ કહી ઝઘડો કર્યો હતો. અજાણ્યા શખ્સોએ રાહુલભાઈના મોટા ભાઈને માર મારતા, રાહુલભાઈ વચ્ચે પડ્યા હતા. જેથી આરોપીઓએ રાહુલભાઈને માથામાં સ્ટીલના ગ્લાસના ઘા ઝીંકતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પટલ ખસેડવામાં આવ્યા છે. પાંચમા બનાવમાં, ગાંધીવસાહત સોસાયટીમાં રહેતા અને કેટર્સનું કામ કરતા નયનભાઈ પ્રેમજીભાઈ મકવાણા (ઉ.વ. ૩૦) રાત્રિના દસ વાગ્યે પારવડી ચોક મહાત્મા ગાંધી પ્લોટ પાસે હતા, ત્યારે જયેશ નામના શખ્સે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો કરી નયનભાઈને લાકડાના ધોકા વડે બેરહેમીથી માર મારતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. છઠા બનાવમાં, થોરાળા શેરી નંબર ચારમાં રહેતા દુર્ગાબેન પ્રવીણભાઈ ઠુંમર (ઉ.વ. ૩૫) બપોરે ૧૨:૩૦ વાગ્યે પોતાના ઘર પાસે હતા, ત્યારે તેમના પતિ અને જેઠએ કોઈ કારણોસર જગડો કરી દુર્ગાબેન પર પથ્થર વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

